હાલ તબિયત બિલકુલ સ્વસ્થ, સંપર્કમાં આવનાર તમામને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ, ગત સાંજે શરીરમાં કળતરની ફરિયાદ બાદ કોરોના ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મંત્રીએ ટ્વિટર મારફત આપી જાણકારી : ટેકેદારો અને સમર્થકોમાં ચિંતા ન કરવા જણાવ્યું
મિલન કુવાડિયા
ભાવનગરની પૂર્વ વિધાનસભાના બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તેમણે પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી સોશિયલ મીડિયા મારફત આપી હતી અને આજ સવારથી મીડિયામાં તેમની આ ખબર છવાઈ હતી. જો કે તેમની તબિયત સારી છે અને હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હોવાનું તેમણે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ભાવનગર શહેરની પૂર્વ વિધાનસભાનું પ્રતિનિધિ કરી રહેલા ધારાસભ્ય એવમ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે હાલ ગાંધીનગર હતા. ગઈકાલે રાત્રે વિભાવરીબેનને શરીરમાં કળતર જણાતા પોતે જાગૃતિ દાખવી સામેથી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા અમદાવાદની સરકારી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.
વિભાવરીબેનએ આજે ટ્વિટરના માધ્યમથી પોતે કોરોના પીઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી છેલ્લા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવી કાળજી લેવા અનુરોધ કર્યો હતો. વિભાવરીબેન કોરોના પોઝિટિવ આવતા જ તેમના સમર્થકો, ટેકેદારો અને મતદારોમાં ચિંતા પ્રસરી છે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ લોકસેવામાં પાછા ફરે તે માટે સોશિયલ મીડિયામાં શુભકામનાઓ વ્યક્ત થઈ રહી છે.
મંત્રી વિભાવરીબેન દવેએ ટ્વીટ કરીને કહ્યું કે આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે