૫૦ જેટલા ખેડૂતો તેમના બાકીના બે ગણા વળતરની કરી રહ્યા છે માંગ, આ વળતર ચુકવવા જીલ્લા કલેકટર દ્વારા ૧ વર્ષ અગાઉ કરાયો છે આદેશ.

ધક્કા ખાઈ થાકી ગયેલા ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે કર્યું પ્રદર્શન, ૮ દિવસમાં બાકીનું વળતર ચૂકવી આપવા કરી માંગ, વળતર નહિ આપવામાં આવે તો ૮ દિવસ બાદ ખેડૂતો સહપરિવાર કરશે આંદોલન.

સલીમ બરફવાળા
કરોડો રૂ.ના ખર્ચે તૈયાર થઇ રહેલો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે મામલે વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ હાઈવે માટે સંપાદન કરવામાં આવેલી બુધેલ ગામના લોકોની જમીનમાં ૧ વર્ષ પૂર્વે જીલ્લા કલેકટર દ્વારા પુરતું વળતર ચુકવવા બાબતના આદેશ બાદ પણ આજદિન સુધી ખેડૂતોને તેમની જમીનોનું પુરતું વળતર નહિ ચુકવતા તેઓએ આજે રોડની કામગીરીને અટકાવી દીધી હતી અને ૮ દિવસમાં જો વળતર નહિ આપવામાં આવે તો પુરા પરિવાર સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે માટે ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને ચાર ગણું વળતર ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

પરંતુ બુધેલ ગામના ૫૦ જેટલા ખેડૂતોને માત્ર બે ગણું વળતર મળતા આ મામલે એક વર્ષ અગાઉ ભાવનગર જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતા તેમને પુરતું વળતર આપવા અંગેનો આદેશ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરના આ એવોર્ડ ને લઇ ખેડૂતો વારંવાર વળતર મામલે નેશનલ ઓથોરીટીની ઓફિસે જતા હતા પરંતુ આજદિન સુધી તેમને બાકીનું વળતર ક્યારે આપવામાં આવશે તે અંગેની કોઈ ખાતરી ના આપતા આજે ખેડૂતો ગુસ્સે ભરાયા હતા અને બુધેલ નજીક ચાલી રહેલા નેશનલ હાઈવેના કામે અટકાવી દઈ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી તેમને પૂરતા વળતર આપવાની માંગ કરી હતી રાજ્ય કે કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી વિકાસના કામોમાં ખેડૂતો તેમની સાથેજ છે. તેઓ આવા કામમાં બાધારૂપ બનવા નથી માંગતા પરંતુ તેઓ વિરોધ કરવા મજબુર બન્યા છે.

ખેડૂતો એ અધિકારીઓ અને પદાધિકારીઓ પર આરોપ લગાવતા કહ્યું છે કે કલેક્ટરના આદેશ બાદ પણ જો ખેડૂતોને તેમની જમીનના સંપાદનની બાકીની રકમ ચુકવવામાં ના આવતી હોય જેમાં આ લોકો તેમના ભાગની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે જયારે ખેડૂતોએ આ મામલે ચીમકી ઉચ્ચારી છે કે જો ૮ દિવસમાં તેમનું બાકી વળતર આપી દેવામાં નહિ આવે તો ખેડૂતો પરિવાર સાથે આંદોલન કરશે અને જ્યાં સુધી તેમનું વળતર નહિ આપવામાં આવે ત્યાં સુધી હાઈવે નું કામ અટકાવશે.

આજે ૫૦ જેટલા ખેડૂતો દ્વારા હાઈવે નું કામ અટકાવી તેમના બાકી વળતરની માંગ કરી હતી. જેમાં અમુક ખેડૂતોને ચાર ગણું પુરતું વળતર આપી તંત્ર તેમની સાથે વહાલા દવલા ની નીતિ અપનાવી રહ્યા નો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કલેકટર નો આ મામલે બાકી વળતર ચુકવવા આદેશ છે તો તંત્ર કોની રાહ જોઈં રહ્યું છે તે પણ એક સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here