રાશીવાર ભવિષ્ય સાથેના કેલેન્ડરનું વિશેષ આકર્ષણ, કેલેન્ડર અને દટ્ટાવાળા કેલેન્ડરના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો
દેવરાજ બુધેલીયા
૪ જી બાદ હવે ૫ જીના આગમન સમયે મોબાઈલ, એસ.એમ.એસ. અને ઈમેઈલના ઝડપી યુગમાં જયારે ગ્રીટીંગ્ઝ કાર્ડ અને કાંડા ઘડીયાળનો ઉપયોગ પ્રમાણમાં ક્રમશ ઘટી રહ્યો છે.ત્યારે આજની તારીખે પણ સિહોરમાં કેલેન્ડર અને દટ્ટાવાળા કેલેન્ડરની માંગ યથાવત રહેવા પામી છે. જો કે, ગત વર્ષની તુલનામાં આ વર્ષે ૧૫ ટકાનો વધારો ઝીંકાયો હોવા છતા બુકસ્ટોલ અને ન્યુઝ પેપર્સના સ્ટોલમાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે.
રોશનીનું પર્વ ઢુંકડુ આવી પહોંચ્યુ છે ત્યારે શહેરની મેઈન બજાર સહિતના અનેક સ્થળોએ એક એકથી ચડીયાતા અવનવી માહિતીઓથી સભર કેલેન્ડર અને દટ્ટાવાળા કેલેન્ડરનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. એક બાજુ કાગળના ભાવ, મલ્ટીકલર પ્રીન્ટીંગ સહિતના ભાવમાં કમ્મરતોડ વધારો થયો હોય આ વર્ષે કેેલેન્ડર્સ ઉંચા ભાવે વેચાઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી નામાંકિત અખબારો તેમજ સામાયિકોની સાથોસાથ જ કેલેન્ડર આપવાની પ્રથા શરૂ થતા.
તેમજ સ્થાનિક વેપારીપેઢીઓ,કંપનીઓ,મોલ, એલ.આઈ.સી. કે પોસ્ટએજન્ટ,ડોકટર્સ તેમજ ફાર્મસી સહિતના દ્વારા તેમની અંગત વિજ્ઞાાપન સાથેના કેલેન્ડર પરિચિતોને વિનામૂલ્યે આપવાની પ્રથા શરૂ થતા શહેરમાં કેલેન્ડરનું વેચાણ પ્રમાણમાં ઘટી રહ્યુ છે. તેમ છતા શહેરની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી હટાણાની ખરીદી કરવા માટે આવતા વેપારીઓ અને ગ્રામજનો દ્વારા તેની વધુ પ્રમાણમાં ખરીદી થાય છે. મંદીના ડરના કારણે ઉપરથી જ માલ ઓછો આવતો હોય તેના ભાવ વધ્યા હોવાનું જાણવા મળ્યું છે.