સ્કુલ બસ નિચે કચડાઇ જતાં ધોરણ–રની વિધાર્થિનીનું મોત, બસમાં કોઇ કિલનર કે કંડકટર જ ન હતો, ડ્રાઇવરે દાખવેલી બેદરકારીથી માસુમે જીવ ગુમાવ્યો : ડ્રાઇવરની મોડીરાત્રે ધરપકડ

સલીમ બરફવાળા
થોડા સમય પુર્વે વાળુકડ ખાતે સ્કુલ બસમાંથી ફંગોળાઇ જતાં એક વિધાર્થિનીનું મોત થયાની ઘટના બની હતી. ત્યાં શુક્રવારે ફુલસરમાં એક નાનકડી દિકરી શાળાએથી ઘરે પહોંચવાના બદલે સ્કુલ બસની નીચે જ કચડાઇને ઇશ્ર્વરના ઘરે પહોંચી જતાં શોકની કાલીમાં છવાઇ ગઇ છે. ફુલસર વિસ્તારમાં રહેતાં વાઢેર પરિવારની દિકરી શાળાએ ગયા બાદ પરત આવી અને શાળાએથી મુકવા આવેલી બસમાંથી ઉતરી રહી હતી ત્યારે તેડવા આવેલા દાદાની નજર સામે જ બસના વ્હીલ નીચે આવી જતાં સ્થળ પર જ મૃત્યુ પામતાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

શુક્રવારે બનેલી આ ઘટનામાં બેદરકાર ડ્રાઇવર બસ મુકીને નાસી છુટયો હતો. દરમિયાનમાં શાળાના સંચાલકોના જણાવ્યા પ્રમાણે આ બસ શાળાની નહીં પરંતુ વાલીઓએ ગોઠવેલી વ્યવસ્થાની હતી પ્રા. વિગતો મુજબ ફુલસર વિસ્તારમાં રહેતા અને છુટક મજુરી કામ કરતા મુકેશભાઇ વાલાભાઇ  વાઢેરની દિકરી દિયા (ઉ.વ.૭) ચિત્રા જીઆઇડીસીમાં આવેલી સ્વામીનારાયણ ગુરૂકુળમાં ધોરણ–રમાં અભ્યાસ કરે છે. અને સ્કુલનું જ વાહન તેને લેવા મુકવા આવે છે. શુક્રવારે સવારે રાબેતા મુજબ તેના મમ્મી–પપ્પાને આવજો હું સ્કુલે જાવ છું. કહીને શાળાએ ગયેલી બાળા સાંજે શાળા છુટતા સ્કુલની બસ નંબર જી.જે.૦૪ ઝેડ–૦૬૪રમાં પોતાના ઘરે પરત ફરતી હતી.

ઘર પાસે બસ ઉભી રહી. અને દાદા વાલજીભાઇ તેને લેવા આવ્યા હતાં. દાદા બસના દરવાજે ગયા અને દિયાનો હજુ તો હાથ પકડે ત્યાં બસ ચાલવા લાગી હતી. અને દાદા–પૌત્રીને ઢસડતી સડસડાટ ચાલી ગઇ હતી. તે વખતે દાદા સાથે રહેલી દિયા બસના પાછળના વ્હીલમાં કચડાઇ જતા તેનું માથું ફાટી ગયું હતું. અને દાદાની નજર સામે જ પૌત્રીનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. ઘટના બાદ ચાલક નાસી ગયો હતો. બનાવની જાણ થતા ડી.ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.રાવલ પીએસઆઇ અગ્રાવત સ્ટાફ સાથે સર.ટી. હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં.

શુક્રવારે સાંજે બનેલી આ ઘટના બાદ ફરાર થઇ ગયેલા ડ્રાઇવરને જયાં સુધી ઝડપી લેવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કરી દિધો હતો. દરમિયાનમાં શુક્રવારે મોડી રાત્રે ડ્રાઇવર દિપક કિશોરભાઇ જાની (ઉ.વ.૪ર, રહે કરદેજ)ની પોલીસે ધરપકડ કરી લોકઅપ હવાલે કરી દિધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here