રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકી સાથે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ હાલ વડોદરાની બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ
મિલન કુવાડિયા
કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિતકોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો સાથે હતા.
ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણ થતા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે દિલ્હીમાં ક્વોરન્ટીન થઈ ગયા છે. તેઓ દિલ્હીથી બિહાર જવાના હતા. પરંતુ ભરતસિંહને કોરોના થયો હોવાની જાણ થતા જ તેઓ બિહારનો પ્રવાસ રદ કરી ક્વોરન્ટીન થયા છે.
મુખ્યમંત્રીએ પણ ભરતસિંહના ખબર અંતર પૂછ્યા છે ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી રૂપાણીએ તેમની સાથે ટેલીફોનિક વાતચીત કરીને ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રીએ સોલંકીને શ્રેષ્ઠ સારવાર સુવિધા માટે સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ પુનઃ લોક સેવામાં કાર્યરત થઇ જાય તેવી શુભેચ્છાઓ આપી હતી.