અનલોકના પ્રથમ સપ્તાહનું સરવૈયું : જૂનથી જુલાઈ ભારે, બેલગામ બનેલો કોરોના વાયરસ બીલાડાના ટોપની જેમ વિસ્તર્યો, જૂનના ૩૦ દિવસના કેસ માત્ર એક અઠવાડિયામાં નોંધાયા

દેવરાજ બુધેલીયા
ભાવનગર જિલ્લામાં અનલોક શરૂ થતાં જ કોરોનાની મહામારી બેલગામ બની છે. પાછલા ૧૬૮ કલાકમાં કોરોના પોઝિટિવના ૧૪૭ કેસ સામે આવતા હડકંપ મચ્યો છે. લોકલ સંક્રમણ શરૃ થતાં બીલાડીની ટોપની જેમ કોરોના વિસ્તર્યો હોય, જૂન માસના ૩૦ દિવસમાં જેટલા કેસ નોંધાયા હતા. તેની સમકક્ષ જુલાઈ માસના પ્રથમ સાત દિવસમાં કેસ સામે આવ્યા છે. જૂનના અંત અને જુલાઈના આરંભી ભાવનગર જિલ્લામાં કોવિડ-૧૯ના કેસ જે ગતિએ આગળ વધી રહ્યા છે તે ઘણાં જ ચિંતાજનક છે. લોકોની બેદરકારી અને મહામારી પ્રત્યે ગંભીરતા ભૂલાતા જિલ્લામાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની છે.

જૂન માસના અનલોક-૧.૦માં ૧૬૦ કોરોના પોઝિટિવ દરદી નોંધાયા હતા. તેની સામે અનલોક-૨.૦ બેલગામ બન્યો છે. અનલોક-૨.૦માં કોવિડ-૧૯નું સાત દિવસનું સરવૈયું કાઢીએ તો દર સવા કલાકે કોરોના પોઝિટિવનો એક કેસ સામે આવી રહ્યો છે. ૧૬૮ કલાકમાં ૧૪૭ કેસ નોંધાઈ ચુક્યા છે અને આ ચિંતાનો આંકડો બીલાડાના ટોપની જેમ એટલી હદે વધી રહ્યો છે કે, જુલાઈના પ્રથમ પખવાડિયામાં જ કોરોના મીટર ૫૦૦ને પાર થઈ જશે. હાલ ભાવનગર જિલ્લાના ૪૦૦થી વધુ કેસ થઈ ચુક્યા છે. હોસ્પિટલના બેડ હવે દરદીથી હાઉસફુલ થઈ ગયા છે.

ત્યારે લોકોએ નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારી પ્રત્યે ગંભીરતા દાખવવી જરૃરી છે. લોકલ ટ્રાન્સમિશનના કેસનું પ્રમાણચિંતાજનક ભાવનગર જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી રહી છે. તેનું મુખ્ય કારણ મુળ ભાવનગર જિલ્લાના વતની હોય અને વર્ષોથી ધંધા-રોજગાર માટે અન્ય જિલ્લાઓમાં વસવાટ કરતા લોકો છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાંથી કોરોના સંક્રમિત થઈ વતન પરત ફરતા લોકો કોરોનાના કેરિયર બની રહ્યા છે. આવા લોકો બહારથી આવ્યા બાદ પોતાના નામ-સરનામા અને ટ્રાવેલની વિગત છુપાવી ખોટા સરનામા આપી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને ધંધે લગાડી રહ્યા છે.

પોતાના અને આડોશ-પાડોશના લોકોના શ્વાર્થ ખાતર કોરોના સંક્રમિત લોકો સામે આવવાના બદલે અન્ય લોકોના સંપર્કમાં આવી રહ્યા છે. જેના કારણે લોકલ ટ્રાન્સમિશનનું પ્રમાણ પણ ચિંતાજનક વધતું જઈ રહ્યું છે. કેસોમાં જબ્બર વધારો થવા લાગતા હવે વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે અને તંત્રને ગૂમરાહ કરનારાઓ સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવા પણ ખોખારો ખાધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here