સફાઈ કામદારો સાથે ગરીબો પ્રત્યેની લાગણીમાં વધારો, વારંવાર તબીબોને ત્યાં જતા રહેતાં લોકો બંધ થયાં, ખોટા ખર્ચ સાથે ગુનાખોરી- પ્રદુષણની માત્રામાં પણ મોટા પાયે ઘટાડો

શ્યામ જોશી
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ સિહોરીઓની લાઈફ સ્ટાઈલ પણ બદલી નાંખી છે. કોઈ પણ સંજોગોમાં ખાણી પીણી કરતાં સિહોરીઓ લોક ડાઉનના કારણે થોડા સંયમી બની ગયાં છે. લોકડાઉનના કારણે નાની નાની બિમારીમાં તબીબોને ત્યાં લાઈન લગાડતાં સિહોરીઓ ઓછા થયાં છે. આ લોક ડાઉનના કારણે ખોટા ખર્ચ સાથે સાથે ગુનાખોરી અને પ્રદુષણની માત્રામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. લોક ડાઉન બાદ પણ સંયમ રહે તો હજી ઘણાં ફેરફાર આવી શકે છે. કોરોનાના કારણે ત્રીજા તબક્કાના લોક ડાઉનને લોકોએ સ્વીકારી લીધું હોવાથી પોતાની લાઈફ સ્ટાઈલને ચેન્જ કરી દીધી છે.

આમ તો વીક એન્ડમાં ખાણી પીણી સાથે સિહોરીઓ જલ્સા જ કરતાં હોય છે પરંતુ કોરોનામાં સોશ્યલ ડિસ્ટન્સ અગત્યનું હોવા સાથે હાલ લોક ડાઉન હોવાથી સિહોરીઓની ખાણી પીણીની સ્ટાઈલમાં ભારે ફેરફાર આવ્યો છે.જીવનનો હિસ્સો બની ગયેલા ગરમાં ગરમ ગાંઠિયા, બટેટા, કચ્છી દાબેલી, ગુજરાતી પંજાબી ભોજન, પીઝા, પાસ્તા પાણીપુરી જેવા જંક ફુડ હાલના સમયે સપનું બની ગયાં છે. સિહોરીઓ બહારનું જંક ફુડ ખાતા બંધ થતાં તેઓનું સ્વાસ્થ્યમાં પણ ફેર આવ્યો છે.

લોક ડાઉનના કારણે વાહન બહાર ઓછા નિકળતાં હોવાથી પ્રદુષણની માત્રામાં મોટા પાયે ઘટાડો થયો છે. સેંકડો લીટર પેટ્રોલ ડિઝલનો ઉપયોગ બંધ થતાં હવા પણ શુધ્ધ થઈ રહી છે. લોક ડાઉનમાં મોટા ભાગના લોકો ઘરમાં જ રહેતાં હોવાથી ગુનાખોરી સાથે સાથે અકસ્માતમાં પણ ઘટાડો નોંધાયો છે. અકસ્માત બંધ થતાં અકસ્માતથી મોતની સંખ્યા પણ આ સમય દરમિયાન નહીવત જેવી થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here