સરકારે ફી માફી તો આપી નહીં, ફી વધારા માટે છૂટ આપી, સૌરાષ્ટ્રના આશરે ૬ લાખ વાલીઓને તેની થશે, મોંઘવારી- મહામારીથી નાની સ્કૂલોની હાલત કફોડી
શંખનાદ કાર્યલય
ગુજરાતમાં ઈ.સ.૨૦૨૧-૨૨ના વર્ષમાં ગત એપ્રિલ-મે માસમાં હજારોના જીવ લેનાર કોરોનાનો ભયાનક સેકન્ડ વેવ અને હાલ થર્ડ વેવથી લોકો ત્રસ્ત છે અને સ્કૂલો હાલ ફરી બંધ છે ત્યારે વાલીઓએ ફી માફીની માંગણી વારંવાર કરી છે તે સરકારે હજુ સુધી આપેલ નથી. ઉલ્ટુ, ફી રેગ્યુલેશન કમિટિએ ૫થી ૧૦ ટકાનો ફી વધારો મંજુર કર્યો છે જે સૌરાષ્ટ્રની આશરે ૧૫૦૦ જેટલી સ્કૂલોમાં લાગુ પડશે.ગુજરાતમાં અંદાજે ૧૬ હજાર સ્વનિર્ભર સ્કૂલો છે તેમાં ફીનું ધોરણ સરકારે પ્રાથમિક માટે રૂ।.૧૫૦૦૦, માધ્યમિક માટે રૂ।.૨૫૦૦૦ અને સાયન્સ હાઈસ્કૂલ માટે રૂ।.૩૦૦૦૦નું નક્કી કર્યું છે. પરંતુ, સૌરાષ્ટ્રની ૪૦૦ સહિત રાજ્યમાં ૨૦૦૦ જેટલી સ્કૂલો તો પચાસ હજાર-લાખ-દોઢ લાખની મન ફાવે તેવી ફી વસુલે છે.
જેના પર સરકારે હજુ કોઈ નિયંત્રણ મુક્યું નથી.ફી રેગ્યુલેશન કમિટિના સૂત્રો અનુસાર આ ફી વધારો મુખ્યત્વે ૧૫ હજારથી પણ ઓછી ફી લે છે તેવી સ્કૂલોનો મંજુર કરાયો છે. આ સ્કૂલોની હાલત હાલની મોંઘવારી, મહામારીના પગલે ભારે કફોડી થઈ ગઈ છે અને સ્કૂલોને તાળા મારવા પડે તેવી નોબત આવી છે જે સ્થિતિ ધ્યાને લઈ વધારો મંજુર રાખ્યો છે. સૌરાષ્ટ્રમાં આશરે ૬ લાખ વિદ્યાર્થીઓના વાલીઓએ આ ફી વધારો ભરવો પડશે. સૌરાષ્ટ્રની ૨ હજાર સ્કૂલો માટે આ વધારો હજુ મંજુર કરાયો નથી પરંતુ,ગત વર્ષે ૭૫ ટકા ફી લેવાની હતી તે ફી હવે ઈ.સ.૨૦૧૯-૨૦ની સ્થિતિએ એટલે કે માફી કે વળતર વગર ઉંચી ફી લેવા મંજુરી અપાઈ છે.