હાલ પુરતી દરરોજની એક ટ્રીપ લગાવવામાં આવશે, દહેજ તરફથી ડ્રેજીંગ નો પ્રશ્ન બન્યો હળવો.

હાલ દરિયામાં નિયમિત ડ્રેજીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, ફેરી સર્વિસના પ્રારંભથી મુસાફરો ખુશખુશાલ.

સલીમ બરફવાળા
છેલ્લા ચાર માસ કરતા વધુ સમયથી બંધ પડેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી શરુ કરવામાં આવી છે. દહેજ તરફના દરિયાના ડ્રેજીંગ ના પ્રશ્નને લઇ બંધ કરવામાં આવેલી આ રો રોપેક્ષ ફેરી સર્વિસ તંત્ર દ્વારા યોગ્ય અને નિયમિત ડ્રેજીંગની આપેલી ખાતરી બાદ શરુ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે હાલ દરરોજ એક ફેરી આ શીપ લગાવશે અને આગામી સમયમાં વધુ ફેરી માટે વિચારણા કરવામાં આવશે. અંદાજીત ૮૦૦ કરોડ કરતા વધુ ખર્ચે કાર્યરત થયેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અવારનવાર વિવિધ વિધ્નો વચ્ચે અટવાતી રહી છે.

ગત તા. ૨૪ ઓકટોબરના રોજ ઈન્ડીગો સીવેઝ દ્વારા આ ફેરી સર્વિસને દહેજ તરફના દરિયામાં અપૂરતા ડ્રેજીંગને લઇ પડી રહેલી મુશ્કેલીના કારણે અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે સૌરાષ્ટ્રના ના મુસાફરો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ફેરી સર્વિસ ને ફરી શરુ કરવામાં આવી છે. જેમાં આજે વોયેઝ સિમ્ફની જહાજ ઘોઘા થી દહેજ તરફ જવા ભાવનગર આવી પહોચ્યું હતું. ફેરી સર્વિસ નો પ્રારંભ થતા પેસેન્જરો ખુબ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. સામાન્ય રીતે સુરત,ભરૂચ કે વડોદરા તરફ જવા માટે ૭ કલાક જેટલો સમય લાગતો હોય છે જે આ શીપમાં માત્ર ૩ કલાક માં પહોચી શકાય છે અને મુસાફરી પણ આરામદાયક બની રહે છે.

જીએમબી તંત્ર દ્વારા દહેજ તરફી દરિયામાં યોગ્ય અને નિયમિત ડ્રેજીંગ ની ખાતરી આપતા અને ડ્રેજીંગ ની કામગીરી શરુ કરતા હાલ આ ફેરી સર્વિસ શરુ કરવામાં આવી છે. જે દરરોજની એક ફેરી લગાવશે. જયારે તેનો સમય પણ દરરોજ ભરતી-ઓટ અનુસાર ફેરફાર વાળો રહેશે. જેથી પેસેન્જરો એ પણ હાલ થોડા વહેલા-મોડા પહોચી શકે એ શરતે જ મુસાફરી કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here