સોશ્યલ મીડિયાના અહેવાલમાં પણ એવુ જ તારણઃ કોંગી માટે ધારી બેઠક સૌથી વધુ આશાસ્પદ

મિલન કુવાડિયા
ગુજરાત વિધાનસભાની લીંબડી, મોરબી, ધારી, ગઢડા, અબડાસા, કરજણ, કપરાડા અને ડાંગ બેઠકનની પેટાચૂંટણીનું તા. ૩ના રોજ મતદાન થયા બાદ આવતીકાલે સવારથી મત ગણતરી થનાર છે. કાલે બપોર સુધીમાં ચિત્ર સામે આવી જશે. ભાજપ-કોંગ્રેસ બન્નેે પક્ષોે તમામ આઠેય બેઠકો જીતવાનો દાવો કર્યો છે. સરકારના ગુપ્તચર તંત્ર તરીકે ઓળખાતા તંત્ર અને રાજકીય પ્રવાહોના જાણકાર વર્તુળોના તારણ મુજબ ભાજપને ૪ થી ૬ અને કોંગ્રેસને ૧ થી ૩ બેઠકો મળવાની શકયતા છે. કોઈ તરફી કે વિરોધી જુવાળ નીકળે તો આ ગણિત બદલાઈ શકે છે. સોશ્યલ મીડિયામાં પત્રકારોનો પોલ તરીકે ફરતા સમાચારોમાં ભાજપને પાંચ અને કોંગીને ૩ બેઠકો મળે તેવુ તારણ કાઢવામાં આવ્યુ છે.


લગભગ તમામ સમીક્ષકોના તારણમાં ધારી બેઠકને ભાજપ માટે સૌથી વધુ કપરી અને કોંગી માટે સૌથી વધુ આશાસ્પદ ગણાવવામાં આવી છે. અબડાસા બેઠક બાબતે વિભિન્ન મત પ્રવર્તે છે. ગુપ્તચર તંત્રના તારણમાં ભાજપને કરજણ અને ધારી બેઠકમાં અતિ કપરા ચઢાણ હોવાનું અને અબડાસામાં જબ્બર લડત હોવાનું દર્શાવાયાનું જાણવા મળે છે. કપરાડામાં ભાજપ મજબૂત સ્થિતિમાં બતાવાય છે. ડાંગમાં કોંગ્રેસ જોરમાં દેખાય છે. કરજણ, લીંબડી, ગઢડા અને મોરબીમાં ભારે લડત થઈ છતા સમીક્ષાનું તારણ આ ચારેય અથવા ચાર પૈકી બે-ત્રણ બેઠકોમાં આખરે ભાજપનો હાથ ઉપરની શકયતા દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here