પ્રવીણ મારૂએ તો મુખ્યમંત્રી સાથે બંધબારણે બેઠક કરી, ગઢડામાં આત્મારામ પરમારનું ટિકીટ માટે લોબિંગ શરૂ, ભાજપમાં ખેંચતાણ

શંખનાદ કાર્યાલય
ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે.ભાજપે પેટાચૂંટણી માટે પ્રભારી મંત્રી-સંગઠનના પદાિધકારીઓને બેઠક દીઠ જવાબદારી સોંપી દીધી છે પણ પક્ષપલટુઓને ટિકીટને લઇને ભાજપની પ્રદેશની નેતાગીરી મૂંઝવણમાં મૂકાઇ છે. પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂ સહિત સોમાં પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કરી હતી.

સૂત્રોના મતે, કોંગ્રેસ છોડીને આવેલાં આઠ ધારાસભ્ય પૈકી પાંચને ભાજપ ટિકીટ આપી શકે છે જયારે અન્ય ત્રણ પક્ષપલટુ ધારાસભ્ય પ્રવીણ મારૂ, સોમા પટેલ, અને મંગળ ગાવિતને ટિકિટ નહી મળે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા ધર્યા હતાં જેના પગલે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે. આ આઠ ધારાસભ્યો પૈકી બ્રિજેશ મેરઝા , જીતુ ચૌધરી , જે.વી. કાકડિયા , અક્ષય પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. હજુ  પ્રવીણ મારૂ, સોમા પટેલ, મંગળ ગાવિતને પક્ષમાં જોડાવવા ભાજપે આમંત્રણ આપ્યુ નથી.

મત વિસ્તારમાં પક્ષપલટુ ધારાસભ્યો પ્રત્યે મતદારોમાં ભારે રોષ ભભૂક્યો છે તે જોતાં હાલ પુરતું આ ત્રણેય ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવવાનુ મોકુફ રખાયુ છે.આઠ પૈકી પાંચ પક્ષપલટુઓને ભાજપે ટિકીટ આપવી પડે તેમ છે.આ તરફ,પક્ષપલટો કર્યા બાદ હવે આ ત્રણેય ધારાસભ્યોની પરિસ્થિતિ વિકટ બની છે.ગઇકાલે પુર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.જયારે આજે સોમા ગાંડા પટેલ પણ સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીને મળ્યા હતાં.

પક્ષપલટુ ધારાસભ્યોનો મળવાનો દોર આજેય યથાવત રહ્યો હતો. સૂત્રોના મતે ગઢડા બેઠક પર પ્રવિણ મારૂનુ ય પત્તુ કપાઇ શકે છે. આ બેઠક પર પૂર્વ મંત્રી આત્મારામ પરમાર પેટાચૂંટણી લડે તો નવાઇ નહીં. બે પૂર્વ મંત્રીઓએ ટિકીટ માટે અત્યારથી રાજકીય લોબિંગ કર્યું હોવાની માહિતી સાંપડી છે. આમ, ભાજપમાં પેટાચૂંટણી લડવા મૂરતિયાઓ તૈયાર થયા છે પણ પક્ષપલટા વખતેે ટિકીટ આપવાનુ વચન આપ્યુ હોવાથી મૂળ કોંગ્રેસીઓને ચૂંટણી મેદાને ઉતારવાની ભાજપની મજબૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here