મહિનાના પ્રથમ દિવસે જ આમ આદમીને લાગ્યો ઝાટકો : પેટ્રોલના ભાવમાં ૨૨ થી ૩૦ પૈસા તો ડિઝલના ભાવમાં ૨૯ થી ૩૨ પૈસાનો વધારો : કોમર્શિયલ બાટલાના ભાવમાં રૂ. ૪૩.૫૦નો વધારો : રેસ્ટોરન્ટ – હોટલ – ઢાબા વગેરે પર ખાવાનું મોંઘુ થશે : જો કે ઘરવપરાશના બાટલાના ભાવ યથાવત

હરિશ પવાર
સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં ગમે ત્યારે ભાવ વધારો ઝીંકાશે તેવી આશંકા ઝળુબી રહી છે ત્યારે આજે એટલે કે મહિનાના પ્રથમ દિવસે જ ઓઇલ કંપનીઓ મોંઘવારીનો આકરો ડોઝ આપ્યો છે. આજે પેટ્રોલ, ડિઝલ અને કોમર્શિયલ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કાળઝાળ મોંઘવારીના કારણે સામાન્ય માણસોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ થઇ ગઇ છે. દરેક ચીજવસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે.

દેશભરમાં ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું માસિક બજેટ વેરવિખેર થઇ ગયું છે. પેટ્રોલ – ડિઝલના ભાવોએ ફરી એકવખત લોકોની પરેશાની વધારી દીધી છે. આજે બંનેના ભાવ વધ્યા છે. ડિઝલના ભાવમાં ૨૯ થી ૩૨ પૈસા તો પેટ્રોલના ભાવમાં ૨૨ થી ૩૦ પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલના સતત વધતા ભાવથી લોકો હેરાન પરેશાન છે અને રોજેરોજ ભાવ વધતા લોકો માટે મુસીબત વધી રહી છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૧.૮૯ રૂપિયા તો ડિઝલનો ભાવ ૯૦.૧૭ રૂપિયા થઇ ગયો છે.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૧૦૭.૯૫ તો ડિઝલનો ૯૭.૮૪ થઇ ગયો છે. કોલકત્તામાં પેટ્રોલ ૧૦૨.૪૭ તો ડિઝલ ૯૩.૨૭ના ભાવે મળે છે. મુંબઇ એવું શહેર છે જ્યાં પેટ્રોલ સૌથી મોંઘું છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાની ઉપર છે.આજથી નવા મહિનાની શરૂઆત થઇ છે. ઓકટોબરના પ્રથમ દિવસે જ મોંઘવારીએ આંચકો આપ્યો છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ આજથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધાર્યા છે.

ઇન્ડિયન ઓઇલે ૧૯ કિ.ગ્રા. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૪૩.૫૦નો ભાવ વધારો કર્યો છે. તે પછી દિલ્હીમાં આ બાટલો ૧૬૯૩થી વધીને ૧૭૩૬.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયો છે. જો કે ઓઇલ કંપનીઓએ સામાન્ય લોકો ઉપયોગ કરે છે તે ૧૪.૦૨ કિલો ગ્રામ સબસીડી વગરના બાટલામાં કોઇ વધારો કર્યો નથી. દિલ્હીમાં ૧૪.૦૨ કિ.ગ્રા. સબસિડી વગરનો રાંધણગેસનો બાટલો રૂ. ૮૮૪.૫૦ના ભાવ યથાવત છે. ગયા મહિના આ બાટલામાં રૂ. ૨૫ વધારવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here