ઘોઘા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી


દેવરાજ બુધેલીયા
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની સીડીપી-૩ યોજના હેઠળ રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે નિર્મિત ઘોઘા તાલુકા પંચાયત કચેરીના આધુનિક ભવનનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પંચાયત રાજ એ ગુજરાતનો આત્મા છે. રાજ્યની ગ્રામ પંચાયતો મીની સચિવાલય બને અને છેવાડાના માનવીના પ્રશ્નને વાચા મળે અને સ્થાનિક કક્ષાએ જ તેનું સુખદ સમાધાન થાય તેવી ભાવનાથી રાજ્ય સરકાર પંચાયતી માળખાને વધુ સક્ષમ અને ટેકનોલોજી યુક્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે છેવાડાનો માનવી આરોગ્ય, ખેતી, સિંચાઈ સહિતની બાબતે સુદૃઢ બને તેમજ તેના પ્રશ્નોને વાચા મળે.

તેનું નિરાકરણ થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માતબર રકમ ફાળવી છે. આધુનિક ટેક્નોલોજીથી નિર્મિત કચેરીઓ સુખ સુવિધા સભર બને અને ગામડાનો માનવી તેનો સુખદ અનુભવ કરે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલ નિર્ણયો વિશે જણાવ્યું હતું કે જે જરૂરિયાતમંદ છે છતા યોજનાનો લાભ નથી લઇ શકતા તેવા ૫૦ લાખ લોકોને સરકારે સસ્તા ભાવે અનાજ પુરૂ પાડવાનું આયોજન હાથ ધર્યું છે.શ્રીકાર વરસાદના કારણે આ વર્ષે ખૂબ સારૂ ખેત ઉત્પાદન થશે પરંતુ જે ખેડૂત ભાઈઓને ચોમાસા દરમિયાન ખેતીમાં નુકશાન થયું છે.

તેમના માટે રાજ્ય સરકારે ૩,૭૦૦ કરોડનું ખાસ પેકેજ તેમજ સાત પગલાં ખેડૂત કલ્યાણના સહિતની યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતને સહાયરૂપ થઈ ગામડાને ચેતનવંતુ બનાવવાનું કામ હાથ ધર્યું છે. રાજ્ય સરકારની કોરોના મહામારીમાં નિઃશુલ્ક સારવાર, દવાઓ સહિતની સુવિધાઓ થકી રાજ્યમાં મૃત્યુદર અન્ય રાજ્યના પ્રમાણમાં ઘટ્યો છે તેમજ રિકવરી રેટ ઉંચો ગયો છે. સરકાર દ્વારા લેવાયેલા ત્વરિત અને અસરકારક પગલાંઓ થકી આપણે કોરોના સંક્રમણને અટકાવવામાં સફળ રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here