ઘોઘાથી નજીકના ગામોમાં જીપીસીએલ દ્વારા કરાયેલા માઇનિંગની માટીના ડમ્પ જમીન તોડી અંદર ઘુસ્યા.

ખેતર અને ગૌચરની કુલ ૧૬ વિઘા સમથળ જમીન ડુંગરોમાં ફેરવાય, નવર્ષના પ્રારંભે જ ધડાકા સાથે ડમ્પની માટીના પહાડો જમીનમાં ઘુસી ગયા.

ડમ્પની માટી જમીનમાં અંદર ઘુસી જતા જમીન ૨૦ થી ૫૦ ફૂટ ઉપસી આવી, તહેવારની રજાના કારણે માઇનિંગ કામગીરી બંધ હોય મોટી જાનહાનિ ટળી.

આ ડમ્પ પરથી મોટી સંખ્યામાં ટ્રકો માટીની હેરફેર કરતા હોય છે, ગૌચર અને ખેતીની જમીન નવી આપવા માંગ.

ગ્રાઉન્ડ ઝીરોથી
મિલન કુવાડિયા

ઘોઘા તાલુકાના સુરકા અને હોઈદડ ગામની ગૌચરની જગ્યા અને માલિકીના ખેતરોમાં એક એવી ઘટના બનવા પામી હતી જે જોઈને ખેતરના માલિક અને ગ્રામજનોની આંખો ફાટી ગઈ હતી.પ્રથમ દ્રષ્ટિએ પોતાના સમથળ ખેતરો ૨૦ ફૂટથી લઈ અને ૫૦ ફૂટ સુધીના ડુંગરોમાં ફેરવાય ગયેલા નજરે પડ્યા હતા અને ગૌચરની જમીન તો પહાડ જ બની ગઈ હતી જ્યારે જમીનોમાં મહાકાય તિરાડો પડી ગઈ હતી જાણે કે કોઈ પ્રલય થયો હોય આ વિસ્તારમાં,તો આવો જાણીએ એવું તે શું બન્યું કે સમથળ ખેતરો ડુંગરોમાં ફેરવાય ગયા. ઘોઘા તાલુકાના સુરકા અને હોઈદડ ગામની વચ્ચે આવેલી ગોચરની આઠ વિઘા જમીન અને ખેડૂતની માલિકીની આઠ વિઘા જેટલી જમીન કે જેમાં દિવાળી બાદના તહેવારોમાં કોઈ ગેબી ધડાકાએ આ વિસ્તારની કુલ ૧૬ વિઘા જેટલી સમથળ જમીનને ડુંગરોમાં પરિવર્તિત કરી નાખી હતી.

આ બનાવ કે જે નવવર્ષના તહેવારોના દિવસોમાં બન્યો હોય જેમાં આ ગામના લોકો પણ પોતાના ખેતરોમાં કે પશુધનને ચરાવવા ન જતા ત્યારે બનેલી આ આશ્ચર્યજનક ઘટના ખેડૂતો અને માલધારીઓ તહેવારો બાદ પોતાના ખેતરોમાં જતા નજરે પડી હતી.આ વિસ્તારમાં લિગ્નાઇટનું ખનન કરતી જીપીસીએલ કંપનીએ ૨૦૦ થી ૨૫૦ ફૂટ ઉંચા માટીના ગંજ (ડમ્પ)ખડકી દીધા છે.જે ગંજ (ડમ્પ) જમીન તોડી અંદર ઘુસી જવાના કારણે એક ગેબી ધડાકો થયો અને ગંજ(ડમ્પ) નજીકની આઠ વિઘા ગૌચરની જમીન અને આઠ વિઘા ખેડૂતની માલિકીની જમીન ડુંગરમાં પરિવર્તિત થઈ ગઈ હતી અને ખેતરોની માટી ૨૦ થી ૫૦ ફૂટ ઉપર ઉપસી આવી ડુંગરોમાં ફેરવાય ગઈ હતી.

તો અનેક જગ્યાઓ પર મોટી મોટી તિરાડો પડી ગઈ હતી. બાડી ગામ નજીક લિગ્નાઇટના માઇનિંગની કામગીરી શરૂ હોય તેમાંથી નીકળતી માટી નજીકના હોઈદડ અને સુરકા ગામની ગોચરની જમીન નજીક ઠાલવવામાં આવી રહી છે, લાખો ટન માટી ઠાલવવાના કારણે ૨૦૦થી ૨૫૦ ફૂટ ઊંચા માટીના પાળા નું નિર્માણ થયું છે, ત્યારે નવા વર્ષની વહેલી સવારે અચાનક ગેબી ધડાકા સાથે માટીના બનાવાયેલા પાળા જમીનમાં ધસી ગયા હતા જેને કારણે ગોચરની આઠ વીઘા જેટલી જમીન તેના મૂળ લેવલથી ૩૦ ફૂટ કરતા વધુ ઉચકાઇ ગઈ હતી જ્યારે અમુક જગ્યા પર ખેડૂતોની ખેતીની આઠ વીઘા જેટલી જમીન પણ ઊંચી આવી ગઈ છે.

માટીના બનાવવામાં આવેલા ડમ્પ અચાનક બેસી જતા જમીન ઉચકાઇ હોવાથી ખેતીની જમીન અને ગૌચરની જમીન સામે જમીન આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ માટીના બનાવાયેલ પાળા પરથી રોજના સેંકડો ટ્રકો માટીની આ રસ્તા પરથી હેરફેર કરતા હોય છે, પરંતુ દિવાળીના તહેવારોમાં માઇનિંગ કામગીરી બંધ હોય મોટી હોનારત થતા ટળી ગઇ હતી. પરંતુ જો લિગ્નાઇટ ખનન ની કામગીરી ચાલુ હોત તો પાળા ધસી પડવાની ઘટનામાં અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હોત.

ઘોઘાના અને હોઈદડ ગામે ગૌચરની જમીન ઉપસી આપવાના કારણે ગામલોકો ચિંતિત બન્યા છે, સાથે નજીકમાં જ ગામ આવેલું હોય ગોચરની જમીનમાં ઘટના બની એવી ઘટના જો ગામમાં બને તો ગામની અને ગામમાં વસતા લોકોની શું સ્થિતિ થાય એ બીક ગામ લોકોને સતાવી રહી છે સાથે જ માટીના પાળા ગામથી એક કિલોમીટરથી વધુ દૂર બનાવવામાં આવે તેવી સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here