છાશવારે ટેકનીકલ ફોલ્ટથી ફેરી બંધ થતા હાલાકી, દિવાળીના દિવસોમાં બે ફેરી સર્વિસ શરૂ કરવા ચેમ્બરની માંગ

દેવરાજ બુધેલિયા
ઘોઘાથી હજીરા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ વારંવાર ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ થવાના કારણે ઉતમ સુવિધાનો લાભ નિયમિત મળી શકતો નથી. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને ખાસ કરીને દિવાળી ટાણે આ સર્વિસમાં બે ફેરી સર્વિસ ચાલુ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા માગણી કરાઇ છે. ઘોઘા-હજીરા વચ્ચે ડીજી સી કનેક્ટ કંપની દ્વારા રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરવામાં આવે છે. આ ફેરી સર્વિસને કારણે ભાવનગર અને સુરત વચ્ચે આવનજાવન કરતા મુસાફરોને ખુબ જ સુવિધા રહે છે. જેના કારણે ખુબ જ સારો ટ્રાફિક પણ મળે છે.હાલમાં આ ફેરી સર્વિસ ટેકનીકલ કારણોસર બંધ છે અને દશેરા કે દિવાળી આસપાસ આ ફેરી સર્વિસ પુનઃ કાર્યરત થશે તેમ જાણવા મળેલ છે.

જ્યારે પણ ટેકનીકલ કારણોસર આ રો-રો ફેરી સર્વિસ બંધ રહેવાની હોય ત્યારે ડીજી સી કનેક્ટ કંપની દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો તેના સંચાલનમાં નિયમિતતા જળવાઇ રહે અને મુસાફરોનો વિશ્વાસ પણ દ્રઢ બને. આ ઉપરાંત દિવાળી અને શ્રાવણ મહિનાની સાતમ-આઠમનાં તહેવારો દરમિયાન સુરત અને ભાવનગર વચ્ચે ખુબ જ ટ્રાફિક રહે છે. તેવા સંજોગો એકના બદલે બે ફેરી સર્વિસનું સંચાલન કરવામાં આવે તો મુસાફરોને પણ સગવડતા રહે. આ બાબતમાં ત્વરિત કાર્યવાહી કરવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા આ રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરતી ડીજી સી કનેક્ટ કંપનીને ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here