સાત વાગ્યે પહોંચી ગયેલું શીપ રાત્રે અગિયાર વાગ્યે પણ અનલોડ ન થતાં મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડી, અંતે સાડા અગિયાર વાગ્યે શીપ જેટી પર લગાડવાની મંજૂરી આપવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

હરિશ પવાર
ઘોઘાથી હજીરા વચ્ચે ત્રણ માસનાં અંતરાલ બાદ રો-પેક્સ ફેરી પુનઃ શરૂ થઈ હતી. જોકે, સેવા શરૂ થયાના બીજા જ દિવસે ચર્ચાના એરણે ચડી છે. આ સેવાએ ગઈકાલે રાત્રે સફર કરતાં પ્રવાસીઓને વરવો અને કડવો અનુભવ કરાવ્યો છે. ઘોઘાથી હજીરા પહોંચેલા પેસેન્જરોને સાડા પાંચ કલાક શીપમાં ગોંધી રખાયા હતા.ભાવનગર જિલ્લાના ઘોઘા દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના સુરત સ્થિત હજીરા બંદરને જોડતી અને લોકપ્રિયતાના ચરમ શિખરે પહોંચેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા ત્રણ માસ બંધ રહ્યા બાદ ગત તારીખ 19 ઓક્ટોબરના રોજ ફરી શરૂ કરવામાં આવી હતી. સેવા શરૂ થયાની બીજી ટ્રીપ એટલે કે બીજા દિવસે નિર્ધારિત સમય મુજબ ઘોઘા થી બપોરે ત્રણ વાગ્યે હજીરા જવા રવાના થઈ હતી અને સાંજે સાત કલાકે હજીરા પહોંચી હતી.

જયાં પહોંચ્યા બાદ સમય પસાર થવા છતાં અનલોડ પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતાં પેસેન્જરો દ્વારા શિપ પર તૈનાત કર્મચારીઓ ને પુછપરછ શરૂ કરી હતી, પરંતુ કર્મચારીઓએ મુસાફરોને યોગ્ય પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું. મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડી આ બાબતે ખાસ્સો સમય વિતવા છતાં શીપ જેટી પર બીચ થયું ન હતું અને કલાકો બાદ શીપ પર ફરજરત કર્મચારીઓ કેબીનમાં જતાં રહ્યાં હતાં. સાત વાગ્યે પહોંચી ગયેલું શીપ રાત્રે અગિયાર વાગ્યે પણ અનલોડ ન થતાં પ્રવાસીઓને મન ઉચ્ચાટ વધ્યો હતો. પરંતુ પ્રવાસીઓની દરકાર લેવા કોઈ જ વ્યક્તિ હાજર ન હતાં. આ શિપમા મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ પણ હોય આ લોકો ભુખ્યા-તરસ્યાં રાતના સાડા અગિયાર વાગે એટલે કે હજીરા પહોંચી ગયાના સાડા પાંચ કલાકના અંતે પણ અનલોડ થયું ન હતું. જેથી મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડી હતી. અંતે સાડા અગિયાર વાગ્યે શીપ જેટી પર લગાડવાની મંજૂરી આપવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here