તેરા યહાં કોઈ નહિ : બેકારી બેરોજગારી અને મંદીએ ભરડો લીધો છે

મિલન કુવાડિયા વિશેષ..
સતત બેકારી બેરોજગારી અને બીજી તરફ કોરોનાના કપરા કાળમાં અનેક પરિવારો અને ખાસ કરીને યુવાનો જિંદગીના વિશિષ્ટ વળાંકમાંથી પસાર થઈ રહ્યા છે. અગાઉના સમયમાં પ્રજાનો બહુધા વર્ગ ભાગ્યવાદી હતો અને તક પણ એટલી બધી હતી કે એમ લાગતું હતું કે ભાગ્ય સાથ આપી રહ્યું છે. પરંતુ હવે તેજસ્વી પ્રતિભાઓ પણ તક માટે ભટકતી જોવા મળે છે. છેલ્લા વર્ષોમાં દેશના અર્થકારણે સહન કરેલા કેટલાક જગપ્રસિદ્ધ આંચકાઓને પરિણામે આપણને કોઈ કોઈ એવા પરિવારો પણ જોવા મળ્યા છે જેમાં બાપદીકરો બેય એક સાથે નોકરી શોધતા હોય. પિતા એની મધ્ય કે ઢળતી વયે નોકરી શોધે અને પુત્ર યૌવનના ઉંબરે પગ મૂકે ત્યારે પહેલી નોકરી શોધે. જે ઘરના બાપ- દીકરો બન્ને નોકરી શોધતા હોય એની હાલત અકાળે આવી ચઢેલી પાનખર જેવી હોય છે.

એક તરફ સંતાનો પરણાવવા લાયક થયા હોય અને બીજી બાજુ ઘરની સર્વસામાન્ય દરમાસિક આવક ધારા સુકાતી જતી હોય ત્યારે જિંદગી એના સૌથી વિકરાળ સ્વરૂપે નજરમાં તગતગે છે. દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ બધાજ ભરપૂર ચોમાસામાં અનુભવી રહ્યા છે. ભૂકંપના આંચકા, કોરોનાના વધતા કેસો, લોકડાઉન અને અનલોક વચ્ચે ઝોલા ખાતી બજારે લોકોને ત્રસ્ત કર્યા છે. આર્થિક સંકડામણને કારણે બજારમાં અને જનમાનસમાં વધી રહેલો તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જોકે આપડી આર્થિક સ્થિતિ તો નબળી હતી જ, કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન અને અનલોક વચ્ચેની પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.

સરકાર સાથે બુદ્ધિશાળી વર્ગ કોરોનાને કારણે થયેલા નુકસાનના લેખાજોખા કરવા લાગ્યા છે દરેક માણસ પોતપોતાને ત્રાજવે પોતાના વર્તમાનને તોળી રહ્યો છે અને નવાઈની વાત એ છે કે ગમે તેમ જોખે તોય બેય બાજુના પલ્લા ખાલી ને ખાલી જ રહે છે. ફિલ્મ દિલ સે ના ગુલઝારે લખેલા એક ગીતમાં શાહરુખ ખાન ગુંજે છે કે મૈં યહાઁ ટુકડો મેં જી રહા હુઁ… જેવી સ્થિતિ અત્યારે સામાન્ય જનની થઈ છે. બધા જ કામકાજ જો અને તો વચ્ચે ફસાયેલા દેખાય છે. પગ પર પથ્થર પડે તો કદાચેય થોડી હાનિ સાથે ઉઠાવાય પણ આ તો કોરોનાકાળનો એટલે કે સમયનો પહાડ પડેલો છે. એ કંઈ એમ જલદી ઊંચકી શકાય એમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here