હાલ ડુંગળી ૩૦૦ થી ૪૦૦ રૂ. મણ યાર્ડમાં વેચાઈ રહી છે, સરકાર આયાત કરવાનું બંધ કરી સ્થાનિક ખેડૂતો ને ન્યાય આપે તેવી માંગ.

આ વર્ષે ડુંગળી નું મબલક વાવેતર સિહોર સાથે જીલ્લામાં કરવામાં આવ્યું છે, અપૂરતા ભાવો ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે.

સલીમ બરફવાળા
થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકો ને રડાવી રહી છે. ૧૨૦૦ રૂ. મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦ થી ૪૦૦ રૂ.મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાત ના પગલે ડુંગળીના ભાવો માં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાય શકે છે. ગરીબોની કસ્તુરી ના ભાવો ઘટતા લોકો ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે તેનું ઉત્પાદન કરતો ખેડૂત રડી રહ્યો છે. જેનું કારણ છે કે ડુંગળીના વધેલા ભાવો ને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે વિદેશો માંથી ડુંગળી ની આયાત કરતા હાલ ભાવ ૩૦૦ થી ૪૦૦ રૂ. મણ ના ભાવે યાર્ડમાં વેચાઈ રહી છે.

અતિ વધેલા ભાવો ને નાથવા સરકાર નો આ નિર્ણય પ્રજા માટે લાભદાયી બન્યો છે પરંતુ ખેડૂતો માટે માઠા સમાચારનું કારણ બની રહ્યો છે. આજે ચિત્રા યાર્ડમાં પોતાની ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની ડુંગળી ૪૦૦ રૂ.પ્રતિં મણ આજુબાજુના ભાવે વેચાણ થવા પામી હતી. જેથી તેને વાવેતર થી લઇ ઉત્પાદન સુધી માં જે ખર્ચ થયો હોય તે પણ મળી શકે તેમ નથી. જેથી ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે. થોડા સમય અગાઉ કમોસમી વરસાદ માં પણ ડુંગળી ના પાક ને નુકશાન થયું હતું. જેને લઇ તેનું ઉત્પાદન માં ઘટાડો થતા ભાવો ઉચકાયા હતા. ત્યારે ખેડૂતો ને તેનું ડુંગળીના પૂરતા ભાવો યાર્ડ માં મળી રહ્યાં હતા પરંતુ આ ભાવો સામાન્ય કે ગરીબ પ્રજાને પોસાય તેમ ના હોય.

ડુંગળીના આયાત થી ભાવો ઘટ્યા છે જે ખેડૂતો માટે નુકશાન દાયક નિર્ણય છે ત્યારે સરકાર અહી ના ખેડૂતો ને પૂરતા ભાવ આપી ડુંગળી ની ખરીદી કરે અને આયાત બંધ કરે તેવી માંગ કરી રહ્યા છે. જયારે હાલ ડુંગળી નું મબલક ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે ફરી નિકાસ કરવામાં આવે અને તેમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સિહોર સાથે જીલ્લો ડુંગળીના ઉત્પાદન માં રાજ્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અહીની ડુંગળી વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે સરકાર ખેડૂતો અને પ્રજા ને લક્ષ માં રાખી યોગ્ય ભાવો નક્કી કરે જેથી કોઈને રડવા નો વારો ના આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here