ખેડૂતો સાથે રમત ? .
વિશેષ મિલન કુવાડિયા
રાજકારણમાં દરેક પક્ષો ખેડૂતોના નામે રાજનીતિ કરી રહ્યા છે અને ખેડૂતો સાથે માત્ર રમત રમી રહ્યા છે. દરેક પ્રકારની ચૂંટણીઓમાં જે ખેડૂતોનું મનોરંજન કરવા માટે તેઓ તેમની ધરતીપુત્રો તરીકે સ્તુતિ કરતા આવ્યા છે તેમની તેઓ રીતસર આખો દેશ જુએ એમ મજાક ઉડાવી રહ્યા છે ખેડૂતોની એક પણ વાતને રાજકીય પક્ષોએ ગંભીરતાથી લીધી નથી ત્યારે આજનું અત્યારનું આંદોલન સંસદની અંદરની બહુમતી અને બહારના પ્રજાહિત વચ્ચેનો સંઘર્ષ છે.આજે ભારત બંધનું એલાન હતું.
કિસાનોને બપોરે ત્રણ વાગ્યા સુધી ચક્કાજામની પણ જાહેરાત કરેલી હતી દેશની અગિયારથી વધુ રાજકીય પક્ષ-પક્ષિકાઓએ આ બંધનું સમર્થન કરેલું હતું એ તમામ રાજકીય પક્ષોને કિસાન આંદોલનના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે તમારા રાજકીય ઝંડા અમારા કામમાં લહેરાવશો નહિ. તમે ટેકો આપ્યો છે તે સારી વાત છે પણ તમારો પક્ષીય રંગ આંદોલનને લગાડશો નહિ. ખેડૂતો પોતાની ડિમાન્ડ વિશે બહુ સંકલ્પબદ્ધ છે. પરંતુ હાલમાં બેઠેલી સરકારને આ આંદોલન વિશે ધુમ્મસ છવાયેલું છે. તેઓની બુદ્ધિ ઉકેલ લાવવામાં પ્રયોજાતી નથી પરંતુ કિસાનોને કઈ રીતે તેમના વતન પાછા ધકેલવા એ માટે જ તેઓ વિચારે છે.સરકારે મોકલેલા દાણાપાણીનો પણ કિસાનોએ અનાદર કરેલો છે.
આજે આંદોલન ચૌદમા દિવસમાં પ્રવેશે છે. પાટનગર નવી દિલ્હીને ચોતરફથી કિસાનોએ ઘેરી લીધેલું છે. તેઓ ધારે ત્યારે આખા પાટનગરનો વ્યવહાર થંભાવી શકે છે. પરંતુ કિસાનો શિસ્ત જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં મગફળી કૌભાંડમાં શાસક અને વિપક્ષ બન્નેએ ચિક્કાર ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત આજે પણ લોકજીભેથી ઉતરી નથી અને છતાં જોઈએ એટલા મત તો હાલની સરકારને મળ્યા છે અને મળે છે સરકારી સબસીડીઓના ટુકડાઓ પર નભતા રહેવાની તેમને બૂરી આદત પડી ગઈ છે.
ચારેબાજુથી સરકારી લાભ લેવાની મનોવૃત્તિએ તેમના મૂળ ખડતલ કિસાની મહાન વ્યકિતત્વને કોરી ખાધું છે. ખેતમજૂરો તો જમીન માલિક નથી એટલે આંદોલનમાં ન જોડાય. અને માલિકો પોતે તો ખેતી કરતા નથી. હિંચકે બેસીને પંચાત કરવામાં તેમના હાથપગ ભાંગી ગયેલા છે. એમાંય કેટલાક તો ખોટા પદના હોદ્દેદાર બનીને ઘરનું ગોપીચંદન ઘસીને ખાદી પહેરે છે. ખોટી ખાદી. આવા કાગડાઓ ગુજરાતમાં તો ગામેગામ ઉડે છે..