પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર હતા : સિહોર ભાજપ

બ્રિજેશ ગૌસ્વામી
જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી તથા પક્ષના પાયાના પથ્થર એવા પીઢ આગેવાન, કુશળ વહીવટ કર્તા, દીર્ઘદ્રષ્ટા સંગઠક એવા શ્રી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાનને લઈ શ્રદ્ધાંજલિ પાઠવી હતી સિહોર શહેર ભાજપ દ્વારા જણાવાયું છે કે પીઢ જનસંધી આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુબાપાના નિધનથી પાર્ટી અને ગુજરાતને ના પુરી શકાય તેવી ખોટ પડી છે તેઓના નેતૃત્વમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ બન્યો હતો અને સમગ્ર દેશ માટેનું રોલ મોડેલ બન્યું હતું અને સૌ પ્રથમ વાર ૧૯૯૫ માં તેમના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમ પૂર્ણ બહુમત સાથેની ભા.જ.પા.સરકાર બની હતી અને ત્યાર બાદ ગુજરાત અને ભા.જ.પા. એક બીજાના પર્યાય બની ગયા હતા. અને આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,

જ્યાં ૯૨ વર્ષે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાત અને પાર્ટીમાં બાપા તરીકે જાણીતા શ્રી કેશુભાઈ પટેલનો જન્મ ૨૪ જુલાઈ ૧૯૨૮ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ કાળ થી જાહેર જીવનમાં જોડાયેલા શ્રી કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓ સંઘર્ષનો સામનો કરી ગુજરાતમાં સૌ પ્રથમ સંપૂર્ણ બહુમતી સાથેની ભા.જ.પા. સરકાર બનાવી હતી. કેશુબાપાએ અનાજ દળવાની ઘંટી ચલાવવા થી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી અનેક વર્ષોનો સંઘર્ષ, મહેનત અને પરિશ્રમ કરી પાર્ટીને ટોચ પર પહોચાડી હતી અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો મજબૂત બનાવ્યો હતો.

તેઓના નેતૃત્વમાં પક્ષ ચોતરફ વિકાસ પામ્યો હતો. ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ સમયે ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારે તેઓ પ્રથમ પ્રદેશ પ્રમુખ કેશુભાઈ પટેલ બન્યા હતા. ૧૯૯૫માં કેશુભાઈ પટેલ ભા.જ.પા.ના પૂર્ણ બહુમત સાથેના શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૯૫ની ચૂંટણીઓમાં સ્વર્ગીય કેશુભાઈ પટેલના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને ૧૨૧ બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી. અને ત્યારબાદ સતત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ સતત પ્રેમ કરી સત્તા પર બેસાડ્યા છે.

ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી અને દેશ માટે રોલ મોડલ બની પરસ્પર એક બીજાના પર્યાય બની ગયા આમ આવા દિગ્ગજ નેતાના અવસાનથી પાર્ટીએ એક મહામાનવ અને એક વડલા જેવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની ખોટ કદી નહીં ભરી શકાય સિહોર શહેર ભા.જ.પા. એ આજે આ દિગ્ગજ નેતાના નિધન પરત્વે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દુઃખ પ્રગટ કર્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here