ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વેનુ કામ હજુ અધુરૂ, ગાંધી ચીંધ્યા માર્ગે અને કાનુની લડત આપવા ચર્ચા, બુધેલ ખાતે વકીલ, ટ્રક એસો, સરપંચ સહિતના અગ્રણીઓની બેઠક મળી

મિલન કુવાડિયા
રોડનુ કામ પૂર્ણ થયુ નથી અને કોબડી પાસે ટોલ ટેકસ લેવામાં આવે છે છતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ચુપ 

ભાવનગર-સોમનાથના નિર્માણધીન હાઇવેના કામમાં ખાસ પ્રગતિ નથી અને હયાત રસ્તો મસમોટા ખાડા ટેકરાથી ભરપૂર છે છતાં કોબડી ટોલ નાકા પર ટેક્સ વસૂલાત શરૂ કરી દેવાઇ તે ઉઘાડી લૂંટ જ છે તેવો સાર્વત્રિક સુર ગઈકાલે ટોલટેક્સ મામલે મળેલી બેઠકમાં ઉઠયો હતો અને આ અન્યાયી મામલે દિસ્તરીય લડત આપવા નક્કી થયું હતું. જે રોડ જ નથી તેનો ટેક્સ વસુલવાનું શરૂ થવા છતાં પ્રજાના પ્રતિનિધિઓએ વ્હારે આવવાના બદલે મોં ફેરવી લેતા હવે ભાવનગર વકીલ મંડળના આગેવાનોએ લડતના શ્રી ગણેશ કર્યા છે અને ગઈકાલે ગુરૂવારે  બુધેલ ખાતે એક બેઠક બોલાવી રણનીતિ ઘડવામાં આવી હતી.

નેશનલ હાઇવેનુ કામ હજુ અધુરૂ છે છતા કોબડી ટોલ નાકા પર ભાવનગર-તળાજા રોડનો ટોલ ટેકસ લેવામાં આવે છે તેથી વાહન ચાલકોમાં ભારે રોષ છે. ભાવનગર-સોમનાથના હયાત નેશનલ હાઈવેની હાલત ખૂબ દયાજનક છે. ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે વાહનોને નુકશાન થઈ રહ્યું છે, મુસાફરોના હાડકા પણ ખોખરા થઈ રહ્યા છે. સાથે સમય અને ઇંધણનો વપરાશ ડબલ થઈ ગયો છે છતાં રસ્તાના ખાડા પુરવાના બદલે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ટોલ ટેક્સ ઉઘરાવવા લીલીઝંડી આપી દઈ ઘર્ષણ અને વિવાદને આમંત્રણ અપાયું છે.

આખરે આ મુદ્દે ભાવનગર વકીલ મંડળની હાજરીમાં બુધેલ ખાતે કાનૂની લડત માટે એક બેઠક મળી હતી, જેમાં  અલંગ ટ્રક એસોસિએશન, ઇકો કાર ધારકો, અન્ય ખાનગી વાહન ધારકો, આજુબાજુના ગામના સરપંચો, આગેવાનો એકત્ર થયા હતા અને રોડની સુવિધા વગર ટેક્સ ઉઘરાવાની આ પ્રવૃત્તિ ઉઘાડી લૂંટ હોવાનો સૌ કોઈનો સુર હતો અને આ બાબત વખોડી ગાંધી ચીંધ્યા માર્ગે તેમજ કાનૂની રાહે લડત ચલાવવા નીર્ધાર કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here