ભાવનગર જીલ્લાના ખેડૂતો માલાબાર લીમડાની ખેતી તરફ વળ્યા.

જીલ્લામાં ૧૦૦ જેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં કર્યું છે માલાબાર લીમડાનું વાવેતર, ૬ વર્ષ બાદ લીમડાનું તોતિંગ વૃક્ષ કટિંગ માટે તૈયાર થાય છે.

એક વૃક્ષનું લાકડું ૨૫૦૦૦ થી ૪૦૦૦૦ માં વેચાણ થાય છે, આ વૃક્ષનું લાકડું પ્લાય, દીવાસળી, બોક્સ અને પેન્સિલ માટે ખાસ ઉપયોગમાં આવે છે.

સલિમ બરફવાળા
ભાવનગર જિલ્લાના ખેડૂતો પણ હવે સસ્તી, ઓછી માવજત છતાં લાંબા ગાળે વધુ વળતર આપતી માલાબાર લીમડાની ખેતી તરફ વળી રહ્યા છે. માલાબાર લીમડાનું વાવતેર બીજા પાકો વચ્ચે પણ કરી શકાય છે અને તે કોઈપણ જમીનમાં સહેલાયથી ઉછેરી શકાય છે. ખેડૂતોને ખેતીમાં વાવેતરથી લઈને વેચાણ સુધીમાં અનેક પ્રકારના ખર્ચમાંથી પસાર થવું છે અને આમ છતાં ખેડૂતોએ કરેલા ખર્ચના પ્રમાણમાં યોગ્ય ભાવો મળતા નથી જેથી ભાવનગર જિલ્લાના ખેડુતો હવે ખર્ચ વગરની ખેતી તરફ વળ્યા છે.

માલાબાર લીમડા જે મલેશિયન નીમ તરીકે પણ ઓળખાય છે. જેનું રેતાળ,ચીકણી, ગોરાડું, પથરાળ કે ડુંગરાળ જેવી તમામ પ્રકારની જમીનમાં સરળતાથી વાવેતર કરી શકાય છે. તેમજ ઓછા પાણીમાં સારી રીતે ઉછરી શકે છે. ચોમાસા ઋતુમાં તેના રોપનું વાવેતર કરવામાં આવે તો તે વૃક્ષ ખૂબ ઝડપથી વિકસે છે. તેની ઉંચાઈ માટે સમયાંતરે નીચેની ડાળીઓ કટિંગ કરવાથી તે ૩૦ મીટર કે તેનાથી વધુ ઉંચાઈ સુધી વિસ્તરે છે અને અંદાજીત ૬ વર્ષ જેટલા સમયગાળા બાદ આ વૃક્ષ તોતિંગ બની જાય છે.

તેને કટિંગ કરી બજારમાં વેચાણ માટે લઇ જવાય છે. ભારતીય બજારોમાં માલાબાર લીમડાના લાકડાની ખૂબ જ માંગ છે. તેના લાકડાને પ્લાયવુડ ઉદ્યોગ માટે સૌથી સારું માનવામાં આવે છે તેમજ દીવાસળી, બોક્ષ,પેન્સિલ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તેના પાંદડાનો ખાતર બનાવવામાં પણ ઉપયોગ થાય છે. આમ લાંબા ગળાનું ખેડૂતો આયોજન કરી માલાબાર વાવેતર કરી આવનારા વર્ષોમાં માલામાલ બનવા તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાત રાજયમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ કાર્યરત છે.

આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને વૃક્ષની ખેતી તરફ પ્રોત્‍સાહિત કરીને વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારના ૨૦ થી ૨૫ લાખ વૃક્ષોનું વાવતેર કરવામાં આવે છે. માલાબાર લીમડાની ખેતી વાર્ષિક ખર્ચમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો કરી આપતી ખેતી છે. ભાવનગર જિલ્લામાં ૧૦૦ થી વધુ ખેડૂતોએ પોતાના વાડી ખેતરોમાં મલબાર લીમડાનું વાવેતર કર્યું છે જેમાં ૬ વર્ષ બાદ એક વૃક્ષનું લાકડું ૨૫૦૦૦ થી ૪૦૦૦૦ રૂ.ના ભાવે વેચાણ થાય છે. આમ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી પંથકમાં ખેડૂતો મલબાર લીમડાનું વાવેતર કરી સારી આવક મેળવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here