બન્ને મંડળીની વારંવારની રજૂઆત છતાં દૂધ સ્વીકારવાનો નનૈયો
સભાસદોને આર્થિક નુકશાની, સિહોરના કાજાવદર અને રોયલ ગામની મંડળી સ્થગિત અવસ્થામાં પહોંચી
હરેશ પવાર
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા બે મંડળી પાસેથી દૂધ સ્વીકારવાનો નનૈયો ભણવામાં આવતા વિવાદ થયો છે. આ મામલો જિલ્લા રજિસ્ટ્રા કચેરીમાં પણ પહોંચતા જિલ્લા દૂઘ સંઘને બન્ને મંડળી પાસેથી દૂધ લેવા માટેનો આદેશ કરવા રાજ્યની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પત્ર પાઠવવામાં આવ્યો છે. સિહોર ખાતે આવેલી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા તળાજા તાલુકાની રોયલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. અને સિહોર તાલુકાની કાજાદવર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.નું છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ અને રાજકીય કારણોસર દૂધ સ્વીકારવામાં આપવતું નથી.
જેના કારણે બન્ને મંડળી દ્વારા જિલ્લા દૂધ સંઘને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં દૂધ લેવામાં આવતું ન હોવાના કારણે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી કક્ષાએ પ્રશ્નો ઉભા થયા છે. આ ઉપરાંત દૂધ સ્વીકારવામાં ન આવતા બન્ને મંડળી સ્થગિત અવસ્થામાં પહોંચી છે. સાથે જ સભાસદોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે. ત્યારે દૂધ સંઘ દ્વારા સભાસદોના આર્થિક હિતોને ધ્યાને લઈ રોયલ અને કાજાવદર દૂધ મંડળી પાસેથી દૂધ સ્વીકારવામાં આવે તે માટે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રાજ્યની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને લેખિતમાં પત્ર પાઠવી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૬૦ હેઠળ જરૂરી આદેશ કરવા માગ કરાઈ છે.