કોરોના કાળ અને મોંઘવારીના માર વચ્ચે શહેરમાં ઓનલાઇન ખરીદી ઇન ડીમાન્ડ


બ્રિજેશ ગૌસ્વામી
આ વર્ષે કોરોનાના કપરાકાળની સાથે સાથે દિનપ્રતિદિન મોંઘવારીમાં વધારો થતાં ખરીદી માટે હાલમાં લોકો ઓનલાઇન એપ થકી શોપીંગ કરી રહ્યાં છે. કોરોનાની મહામારીમાં સંક્રમણ ન થાય તે માટે એકઠા થવાનું ટાળી શકાય અને ભીડભાડવાળા વિસ્તારમાં ન જવું પડે તે માટે હાલમાં નગરજનો ઓનલાઇન ખરીદી તરફ વળ્યાં હોય તેમ ઉત્સાહભેર ખરીદી કરી રહ્યાં છે તો બીજી તરફ દરેક ચીજવસ્તુમાં ઇ-કોમર્સની એપ થકી કરાતી ખરીદીમાં મસમોટું ડીસ્કાઉન્ટ આપવામાં આવતાં ખરીદી માટે ઓનલાઇનનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે.

જીવન જરૂરી ચીજવસ્તુ સહિત કપડા અને દિવાળીને લગતી વિવિધ બનાવટો પણ ઓનલાઇન શોપીંગમાં મુકવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રકાશના પર્વ દિવાળીની લોકો આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યાં છે ત્યારે દિવાળીની સાથે સાથે ગુજરાતીઓનું નૂતન વર્ષ પણ આવતું હોય છે. આમ આ પર્વને અનુરૂપ વિવિધ નવીન ચીજવસ્તુઓની ખરીદી પણ દર વર્ષે કરવામાં આવતી હોય છે. ઘર આંગણે પુરવામાં આવતી રંગોળી તથા પ્રજવલ્લીત થતાં અવનવા દિવડા અને કપડા સહિત ઘરવખરીની પણ દિવાળીના તહેવારોમાં ખરીદી કરવામાં આવતી હોય છે. મોટાભાગે આ ખરીદી શહેરમાં આવેલાં સ્થાનિક બજારોમાંથી કરવામાં આવતી હોય છે.

આ વર્ષે કોરોનાની મહામારીમાં દરેક તહેવારોની ઉજવણી મંદ પડી ગઇ છે તો બીજી તરફ સંક્રમણ વધે નહીં અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરીને વેપારીઓને વેપાર ધંધાની મંજુરી આપવામાં આવી છે.દિવાળીના પર્વમાં આમ તો બજારોમાં ભીડભાડ જોવા મળતી હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલી મહામારી અને મોંઘવારીના માર વચ્ચે મસમોટા ડીસ્કાઉન્ટ સાથે ઇ-કોમર્સ એપ દ્વારા જે ખરીદી કરાવવામાં આવી રહી છે તેમાં ઉછાળો આવ્યો હોય તેમ પાટનગરવાસીઓ પણ ખરીદી માટે એપનો સહારો લઇ રહ્યાં છે.

ઇ-કોમર્સની વિવિધ એપ દ્વારા કપડા, બુટ તેમજ ઇલેકટ્રોનિક અને ઇલેક્ટ્રીક તથા ઘર વખરી સહિત અનાજ -કરીયાણા અને મીઠાઇ તથા ફરસાણમાં પણ વિવિધ સ્કીમો મુકીને ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેનો લાભ પણ નગરજનો લઇ રહ્યાં છે. તો બીજી તરફ બજારમાં ખરીદી અર્થે જવાથી સંક્રમણનો ભોગ ન બનાય તે માટે નગરજનો ઓનલાઇન ખરીદીનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે.ઇ-કોમર્સની એપમાં હાલ ચાલી રહેલી હરીફાઇમાં કંપનીઓ દ્વારા પ૦ થી ૮૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તો બીજી અન્ય ઓફરો પણ ખરીદારો માટે મુકવામાં આવતાં ઓનલાઇન ખરીદી ઇન ડીમાન્ડ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here