પાલીતાણાના ૧૦૮ સ્ટાફે રૂા.૫ લાખ જેવી રકમ ઇજાગ્રસ્તને પરત કરી

ઈનોવા કાર પલટી મારી જતા યુવક બેભાન થયો હતો, યુવકની કારમાં ૫ લાખ રોકડ, લેપટોપ અને બે મોબાઈલ સહિતનો સામાન હતો જે પરત કરાયો


દર્શન જોષી
ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિશાલ પૂરી પાડતાં હોય છે. ૧૦૮ ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવાં માટે ખ્યાત છે અને ૧૦૮ એ તેની સેવાથી પ્રજાના હ્યદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાલીતાણાના ૧૦૮ સ્ટાફે રૂા. ૫ લાખ જેવી માતબર રકમ ઇજાગ્રસ્તને સાભાર પરત ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. કળીયુગમાં અનેક ઈમાનદારી ડગાવે તેવી અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે.

પરંતુ પોતાની ઈમાનદારીને ડગાવ્યાં વગર ફરજ ઉપર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો પાલીતાણા ૧૦૮ ઇમરજન્સી ટીમ સામે ગઈકાલ મોડી રાત્રે આવ્યો હતો. જેમાં ભાવનગરના ધંધાદારી યુવાનને ટોડી નજીક અકસ્માત નડતાં ઇનોવા કાર પલટી મારી જતાં યુવક બેભાન થઇ ગયો હતો.આ અકસ્માતની ઘટનાની જાણ પાલીતાણા ૧૦૮ ને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં પાલીતાણા ૧૦૮ ના ઇ.

એમ.ટી હિફાભાઇ અને પાયલોટ જગદીશભાઈને કારચાલક યુવાન બેભાન થયેલો જણાયો હતો. વધુ તપાસ કરતાં કારચાલકની ઇનોવા કારમાંથી ૫ લાખ જેવી મોટી રકમ તેમજ એક લેપટોપ અને બે મોબાઈલ મળી આવ્યાં હતાં. આટલી મોટી રકમ નજર સામે આવતા કોઈપણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગતાં વાર ન લાગે પણ જી.વી.કે. ઇ.એમ.આર.આઈ.ના ૧૦૮ ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ ન થઈ. તેઓ બેભાન કારચાલક યુવાન અક્ષયરાજસિંહ ગોહિલને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં.

ત્યારબાદ યુવાનને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ ૫ લાખની રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી.૧૦૮ ના ઇ.એમ.ઇ. નરેશભાઇ ડાભી તેમજ ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી. ૧૦૮ ની અમૂલ્ય સેવા સાથે તેમના કર્મચારીઓને નિષ્ઠાને પણ સો- સો સલામ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here