વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ બાળકી
માતા-પિતાએ હાલરડા રૂપે પિરસ્યું વિશ્વનું જ્ઞાાન, વિડિઓ જોઈને આપ પણ અચરજ પામશો
શંખનાદ કાર્યાલય
કુદરતે દરેક વ્યક્તિમાં એક છુપી ખૂબી આપી હોય છે. જે તેમને અન્યોથી અલગ તારવી અલગ ઓળખ આપે છે. આવું જ એક ટેલેન્ટ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાની પાણિયાળી ગામે ખેતમજૂર પરિવારમાં ઉભરી આવ્યું છે. માત્ર સવા બે વર્ષની ઉંમર હોવા છતાં સાક્ષી નામની બાળકીનું મગજ જનરલ નોલેજની રાત-દિવસ ગોખણપટ્ટી કરવા યુવાનોને શરમાવે તેવું છે. કોઈપણ દેશના રાષ્ટ્રીય ચિહ્ન, કરન્સી, કોઈ પણ ધર્મના સ્થાપના નામ બાળકીને કંઠાગ્ર છે અને કોમ્પ્યુટર જેટલી સ્પીડે તેને પૂછેલા સવાલના જવાબ સાક્ષી તેની બાળસહજ કાલી-ઘેલી મીઠી ભાષામાં આપે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં માત્ર ચાર-પાંચ દિવસના ટૂંકા સમયમાં સાક્ષી સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે.
સાક્ષીની આ ખૂબી અંગે તેના પિતા અર્જુનભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, સાક્ષી જ્યારે દોઢેક વર્ષની હતી. ત્યારે તે વિશ્વના જ્ઞાાનથી અવગત થાય તે માટે હાલરડારૂપે જીવનના દરેક તબક્કે ઉપયોગી એવી સમજ આપવાનું શરૂ કર્યું હતું. નાની ઉંમરમાં જ તેની સ્મરણ શક્તિ એટલી બધી પાવરફૂલ હતી કે, માત્ર એક વર્ષની અંદર જ સાક્ષી રાષ્ટ્રીય પક્ષી, પ્રાણી, ચિહ્નો, રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય ગાન, દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, વિશ્વનો નાનો દેશ, રાજ્યનું મોટી શહેર, રાજ્યની રાજધાની, રાજ્યનો દરિયા કિનારો (૧૬૦૦ કિ.મી.), રાજ્યનું સૌથી મોટું બંદર (કંડલા) વગેરેનું નામ તેને કંઠાગ્ર છે. આ ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ સ્પેન, જર્મની કે અન્ય દેશોની કરન્સી, હિન્દુ, મુસ્લિમ, જૈન વગેરે ધર્મના સ્થાપક, અંગ્રેજીમાં પશુઅપક્ષીના નામ, ઈંગ્લીશની ચાર કડી, જાન્યુઆરીથી ડિસેમ્બર માસ તેમજ મોટા પણ જવાબ દેવામાં માથા ખંજવાળે તેવા ગુજરાતી મહિનાઓના નામ પણ સાક્ષી ફટાફટ બોલી જાય છે.
આટલી નાની ઉંમર કે જે તબક્કામાં બાળકો સવારનું પણ સાંજે યાદ રાખી શકતા નથી, ત્યારે સાક્ષીનો સુપર માઈન્ડ કોઈપણ વાતને કોમ્પ્યુટરની હાર્ડડિસ્કની જેમ મગજમાં સેવ કરી લે છે. જેના કારણે સોશિયલ મીડિયામાં તેનો વીડિયો ખૂબ જ લોકપ્રિય પણ બન્યો છે.