સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ રાજીનામા આપતા દોડધામ, વોર્ડમાં કામ ના થતા હોવાની નારાજગી તેમજ અંદોરો અંદરનુ રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા 

વિશાલ સાગઠિયા
પાલિતાણા નગરપાલિકાના ભાજપના ૩ નગરસેવકોએ અચાનક રાજીનામા આપી દેતા ખળભળાટ મચી જવા પામેલ છે. પાલિતાણા નગરપાલિકામાં ભાજપની સત્તા છે અને ભાજપના જ નગરસેવકોએ નારાજ થઈ રાજીનામા આપ્યા છે ત્યારે લોકમુખે જુદી જુદી ચર્ચાઓ ચાલી રહી છે. આ ત્રણેય નગરસેવકો એક જ વોર્ડના છે તેથી કામ બાબતની પણ નારાજગી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. પાલીતાણા નગરપાલિકામાં કુલ ૯ વોર્ડ આવેલાં છે, જેમાં ૩૬ સીટ છે. ભાજપના ૨૫ અને કોંગ્રેસના ૧૧ એમ કુલ ૩૬ નગરસેવકો છે. ભાજપની સ્પષ્ટ બહુમતી છે. પ્રમુખ તરીકે મહિલા શિલાબેન વસંતભાઈ શેઠ અને ઉપપ્રમુખ તરીકે મિલનભાઈ કે રાઠોડ છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપના કોર્પોરેટરોમાં અંદોરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ વોર્ડ નંબર-૧ના ત્રણ કોર્પોરેટરો અજયભાઈ રાજુભાઈ જોષી, રોશનબેન રસુલભાઈ અબડા, કિરણબેન ગોવિદમલ કુકડેજા વગેરેએ અચાનક લેખીતમાં ચીફ ઓફિસરને  રાજીનામા ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી અંદરોઅંદર ખટપટ ચાલી રહી હોય તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. ભાજપના ત્રણ નગરસેવકે અચાનક રાજીનામાં આપતા ભાજપ સંગઠનમાં દોડધામ મચી જવા પામી છે.

એક જ વોર્ડના ત્રણ નગરસેવકે રાજીનામા આપ્યા છે પરંતુ રાજીનામા કયાં કારણોસર આપ્યા તે સત્તાવાર જાણવા મળેલ નથી. આ નગરસેવકોના વોર્ડમાં વિકાસના કામો ઓછા ફાળવવા તેમજ લોકોની ફરિયાદો હલ ના થતી હોય સહિતના કારણો હોય શકે છે તેવી લોકમુખે ચર્ચા છે. ભાજપની સત્તા છે અને ભાજપના સભ્યોએ નારાજ થઈને રાજીનામા આપ્યા છે ત્યારે આ મામલે શુ નિર્ણય આવે છે ? તેની રાહ જોવી જ રહી. ત્રણેય નગરસેવકોને મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે રાજીનામા સ્વિકારી લેવામાં આવશે ? તેવા પ્રશ્ન લોકમુખે ચર્ચાય રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here