ભાભીની હત્યામાં મદદગાર દિયર જેલ હવાલે, પત્નીની હત્યા કરી અમીતે તેના ભાઇને એક્ટીવા સાથે બોલાવ્યો હતો, પત્નીની હત્યાને પતિ અકસ્માતમાં ખપાવવા માગતો હતો


હરેશ પવાર
પાલિતાણામાં ચાર દિવસ પૂર્વે ઘર કંકાસના પગલે પત્નીને ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ હત્યારો પતિ અમીત પત્નીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા તેના ભાઇની મદદ મેળવવા બોલાવ્યો હતો. ભાઇ એક્ટીવા લઇ આવ્યા બાદ મૃતદેહને છોટાહાથીમાં લઇ બંને ભાઇ નીકળ્યા હતાં. ડુંગરપુર રોડ પર મૃતદેહને એક્ટીવા ઉપર ટ્રાન્સફર કરી અમીત ફેંકવા જઇ રહ્યો હતો અને લોકોના હાથે ઝડપાયો હતો.

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર પાલિતાણાના સિંધુકેમ્પ વિસ્તારમાં રહેતો અમીત મથુરદાસ હેમનાણીને તેના પત્ની નયનાબેન સાથે ઘરેલું ઝઘડા થતા હોય જેના કારણે ત્રણ દિવસ પૂર્વે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ગળાટૂંપો દઇ તેની હત્યા કરી નાખી હતી.જે હત્યા મામલે મૃતક મહિલાના ભાઇ મુકેશભાઇ ભાગવાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૨, ૨૦૧ મુજબ ગુનો દાખલ કરી પત્નીની હત્યા કરનાર અમીત હેમનાણીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યાં બાદ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.

પોલીસ રિમાન્ડ દરમિયાન અમીતની પુછપરછ હાથ ધરાતા હત્યા કેસમાં તેના નાનાભાઇ જીતેન્દ્ર મથુરદાસ હેમનાણીએ મદદગારી કરી હોવાનું બહાર આવતા પોલીસે જીતેન્દ્રને નજરકેદ કર્યાં બાદ ધરપકડ કરી હતી અને આજે બુધવારે કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલ હવાલે કરી દીધો હતો. અમીતની પુછપરછ કરતા પોલીસ સમક્ષ તેણે કબુલાત આપી હતી કે, તેના હાથે પત્ની નયનાબેનની હત્યા થયા બાદ તેણે તેના ભાઇ જીતેન્દ્રને ફોન કર્યો હતો કે એક્ટીવા લઇ ઘરે આવવા જણાવ્યું હતું.બાદ જીતેન્દ્રને તેણે હત્યાને અકસ્માતમાં ખપાવી નાખવાની વાત કરી હતી.

પરંતુ જીતેન્દ્રએ મૃતદેહને ફેંકી આવવા જણાવતા બંને ભાઇઓએ મૃતક નયનાબેન બોડીને છોટાહાથીમાં મુકી અમીતે છોટાહાથી ચલાવ્યું હતું જ્યારે એક્ટીવા લઇ જીતેન્દ્ર પાછળ સાથે ગયો હતો. ગરાજીયા ગામથી આગળ ડુંગરપુરના વળાંકમાં છોટાહાથીમાંથી બંને ભાઇઓએ મૃતદેહને એક્ટીવામાં ટ્રાન્સફર કર્યો હતો ત્યાંથી એક્ટીવા લઇ અમીત આગળ નીકળ્યો હતો અને ડુંગરપુરના ગ્રામજનોને શંકા જતા તેને રોકી પોલીસ હવાલે કરી દીધો હતો. જ્યારે છોટાહાથી લઇ જીતેન્દ્ર ઘરે રવાના થયો હોવાની વિગતો ખુલવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here