કોરોના મહામારી અને મહામંદીના આર્થિક સંકટની સ્થિતિમાં, બોજથી દબાયેલા પર વધુ બોજ, ધંધા ધમધમતા નથી, નથી ટયુશન ફી માફી, નથી લાખો કરોડોના પેકેજની રાહત, નથી પૂરી કમાણી ઉપર હળાહળ અન્યાયી ટેક્ષ વધારો

મિલન કુવાડિયા
વિશ્વના બજારમાં ક્રૂડના ભાવ ઘટી ગયા અને વર્ષોથી તેનો લાભ તો લોકો સુધી પહોંચવા નથી દીધો ઉપરથી હવે પેટ્રોલ-ડીઝલ કે જેના વગર ગરીબ-મધ્યમવર્ગને ચાલવાનું જ નથી તે સારી રીતે સમજતી રાજ્ય-કેન્દ્ર સરકારે આ ઈંધણની પડતર કિંમત પર બસ્સો-અઢીસો ટકા વેરો ઝીંકીને  આ કપરાં કાળમાં રાહત ઝંખતા લોકોને રાહત આપવાને બદલે ઉલ્ટુ તેમની પાસે રહ્યા સહ્યા નાણાં ખંખેરી પોતે વધુને વધુ રાહત મેળવી રહ્યા છે. લોકોની નારાજગી, રોષ સાથે મેળવાતી આ રાહતનો ઉપયોગ ભલે પછી લોકોના કલ્યાણ માટે કે વિકાસ યોજના માટે કરવાની વાતો થતી હોય તો પણ તે કેટલો વાજબી તે સવાલ જાગ્યો છે.

ક્રૂડ વધુ સસ્તુ થયું ત્યારે વધારી દેવાયેલી ડયુટી હવે રદ કરવાને બદલે તા.૭ જૂનથી આ ભાવવધારાનો  સિલસિલો જારી કરાયો છે. તા.૬ જૂને રૂ।.૬૭.૦૭ માં મળતું પેટ્રોલ હવે તા.૧૬ જૂને રૂ।.૭૪.૨૪ના ભાવે મળે છે.  તો ડીઝલના ભાવ રૂ।.૬૫.૧૦થી વધીને રૂ।.૭૨.૫૮ પર પહોંચ્યા છે. બન્નેમાં લિટર દીઠ રૂ।.૭  કરતા વધુ વધારો થયો છે. આર્થિક રીતે ભાંગી ગયેલા કોઈ માણસને મદદ કરવાની વાતો કરનાર પોતે જ ગરીબ માણસની રહીસહી મુડી પણ ખંખેરવા માંડે તેના જેવી સ્થિતિ સર્જાઈ છે. ધંધા ભાંગી ગયા છે અને નોકરીઓ છૂટી રહી છે. તો કોરોના પહેલાના સમયમાં પણ એવી કોઈ કમાણી નથી કે લોકોએ નાણાં ભેગાં કરી રાખ્યા હોય.

અનેક શ્રમજીવી લોકો આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કરી રહ્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. આવી ચિંતા, તણાવ, હાડમારી, હાલાકી, પીડા વેઠતા નાગરિકોને શક્ય એટલી રાહત આપવાનો સમય છે ત્યારે રાહત માત્ર દેખાડીને લોકો પાસેથી જ પેટ્રોલ ડીઝલના ભાવ અસહ્ય અને દેખીતી રીતે જ અન્યાયી વધારો કરીને સરકારની તિજોરીને જ રાહત આપવા જેવી વાત નેતાઓને પોતાના આદર્શ ગણતા નાગરિકોને પણ ગળે ઉતરે તેવી નથી. રાહતનો વરસાદ ન કરી શકો તો કમસેકમ ડામ દેવાનું બંધ નહીં કરાય, શુ પેટ્રોલ-ડીઝલ પર વધારેલી ડયુટી કમસેકમ આવા સમયમાં રદ કરીને તેના ભાવ લિટરના રૂ।.૫૦ આસપાસ કરો તો સરકાર શુ કંગાળ થઈ જશે તે  પ્રશ્નો નિરુત્તર બનીને ઘુમરાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here