બજાર ઉંચકાતા અને સરકારના ઉંચા વેરા હજુ નહીં ઘટતા, જાન્યુઆરી-19 કરતા હવે 10 ગ્રામ સોના માટે રૂ।.9000 અને 1 લિટર પેટ્રોલ ખરીદવા રૂ।.7 ચૂકવવા પડે છે વધારે

સોનાના ભાવ 42000 નજીક પહોંચવાની સાથે કેન્દ્ર સરકારે અઢી ટકાવધારેલી ડયુટી હજુ યથાવત્ રાખતા બમણો માર 

પેટ્રોલ-ડીઝલમાં અગાઉ કમ્મરતોડ વેરા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ ભાવ ઉંચકાયા છતાં વેરાઓ સરકારે નહીં ઘટાડતા બમણો બોજ

સોનુ મોંઘુ થતા લગ્ન સહિતના પ્રસંગોમાં હવે શૂકન પુરતા અને તે પણ ઓછા વજનના દાગીનાનું ચલણ,અલંકારોમાં રસ ઘટી ગયો 

શંખનાદ કાર્યાલય
મોંઘવારી અને મંદીના વિષચક્રમાં આમ નાગરિક વધુને વધુ ફસાવા લાગ્યો છે. સિંગતેલ, ડુંગળી જેવી સામાન્ય વસ્તુના કમ્મરતોડ ભાવ બાદ અમેરિકા-ઈરાન વચ્ચે યુધ્ધના મંડરાતા વાદળો વચ્ચે ક્રૂડ ઉંચકાતા અને સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ સળગતા અને તેની સાથે જ આ બન્ને વસ્તુ પર કેન્દ્ર સરકારે ઉંચા કરવેરા દર જારી રાખી કોઈ રાહત નહીં આપતા રાજકોટમાં પેટ્રોલ આજે પણ વધીને રૂ।.૭૨.૯૫એ પહોંચી  ગયું છે તો સોનાના ભાવ રૂ।.૪૧,૯૦૦ સુધી પહોંચી ગયા છે. ત્રણ દિવસમાં જ પેટ્રોલમાં આશરે ૪૦ પૈસાનો તો સોનામાં આશરે રૂ।.૧૩૦૦થી ૧૫૦૦નો વધારો થયો છે.
જાન્યુઆરી-૨૦૧૯માં એટલે કે ગત વર્ષના આરંભે ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ।.૩૨૦૦૦થી રૂ।.૩૩૦૦૦ વચ્ચે હતો તે હવે વધીને રૂ।.૪૧૦૦૦થી રૂ।.૪૨૦૦૦ વચ્ચે પહોંચી ગયો છે. અર્થાત્ એટલું જ સોનુ ખરીદવા લોકોએ રૂ।.૯૦૦૦ વધારે ચૂકવવા પડે છે. સોનુ એ ધનિકો માટે તો રોકાણનું સાધન છે પણ આમ નાગરિકો માટે તો ફરજીયાત કરવા પડતા લગ્ન સહિતના વ્યવહાર માટેની જરૂરી ખરીદી છે પરંતુ, ઉંચો ભાવ તો દરેકે સરખો જ ચૂકવવો પડે છે. આ કારણે લોકો અને ખાસ કરીને યુવાન-યુવતીઓ હવે સુવર્ણાલંકારોના શોખથી દૂર જવા લાગ્યા છે.

મધ્યમવર્ગીય લોકો એક સમયે  દિકરા કે દિકરીના લગ્નમાં અમુક તોલા સોનુ ચડાવીશું તેમ નક્કી કરતા પણ હવે અમુક રકમનું જ સોનુ ખરીદવું છે તેમ બજેટ ફાળવે છે. કારણ કે આવક મેળવવામાં મંદી નડે છે અને ખર્ચ કરવામાં મોંઘવારી નડે છે. આ કારણે લગ્નપ્રસંગ માટેની ખરીદીમાં હવે લાઈટવેઈટ અને તે પણ શૂકન પુરતા સોનાના દાગીનાની ખરીદી થાય છે તો કેટલાક લોકો જુનુ સોનુ આપીને બદલામાં નવા ઘરેણાં એટલે કે માત્ર મજુરી-ઝવેરીનો નફો જ ચૂકવવા પડે તેવી ખરીદી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here