પ્રથમ લોકડાઉન વખતથી બંધ કરાઈ એસટી બસ, સિહોર તળાજા આસપાસના ગામો માટે લાભદાયી બસના અભાવે મુસાફરોને હાલાકી


દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસના સંક્રમણને અનુલક્ષીને જાહેર કરાયેલા પ્રથમ લોકડાઉનથી બંધ કરાયેલી સિહોરના રબારીકાથી ચાલતી તળાજા વાયા બેલા, સમઢિયાળા, ટાણા અને અગીયાળી રૂટની અત્યંત મહત્વની ગણાતી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવે તેવી આ રૂટ પરના ગ્રામ્ય વિસ્તારોના ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. ગત માર્ચ માસમાં કોરોનાના કહેરના કારણે એસ.ટી. તંત્ર દ્વારા બંધ કરાયેલી એસ.ટી. બસની એક પછી એક રૂટની સેવા શરૂ કરાઈ રહી છે. હાલમાં લગભગ મોટા શહેરો અને તાલુકા મથકોને જોડતી તમામ બસસેવા શરૂ થઈ ગઈ છે. આવા રૂટ ઉપર ભલે મુસાફરો મળે કે ન મળે પણ એસ.ટી.બસ સેવા દોડાવાય છે.

જયારે ગામડાના રૂટમાં ભરપૂર ટ્રાફિક મુસાફરો મળવા છતાં એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં તંત્રને રસ નથી તળાજાથી ઉપડતી સિહોરના રબારીકા બસ જે બેલા,સમઢિયાળા, દિહોર,ટાણા, અગીયાળી અને દેવગાણા વગેરે અનેક ગામોને જોડે છે. આ બસ કોરોના વાયરસના સંક્રમણને અનુલક્ષીને જાહેર કરાયેલા લોકડાઉનના પ્રથમ તબકકાથી જ બંધ છે. પરંતુ હાલમાં પણ તે બંધ જ છે. અનેક રૂટ ઉપર એસ.ટી.બસ શરૂ થવા છતાં તળાજા, રબારિકા રૂટની બસ શરૂ કરાઈ નથી. સિહોર અને તળાજાના આસપાસના અનેક ગામના અસંખ્ય ગ્રામજનો માટે અત્યંત લાભદાયી એવી આ બસ જો તંત્રવાહકો દ્વારા ફરી શરૂ કરાય તો સામાન્ય અને ગરીબ જનતાને માટે આર્શિવાદરૂપ બને તેમ છે.

આમ છતાં સત્તાધીશો આ બાબતે કશુ કરતા નથી.અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પૈકી કોઈ એસ.ટી. બસમાં મુસાફરી કરતા જ ન હોય તેઓેને મન એસ.ટી.બસનું કંઈ જ મહત્વ ન હોય તે સ્વાભાવિક છે જયારે આમજનતા માટે એસ.ટી.બસ એકમાત્ર સસ્તુ અને સલામત વાહન છે. તેથી આ ગંભીર બાબતે સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી. આમેય મુસાફરો વધારે હોય ત્યાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની માલીકીના ખાનગી વાહનો વધુ દોડતા જ હોય છે.

કદાચ, એટલે જ આવા રૂટ ઉપર એસ.ટી.બસ બંધ રખાય છે. જેથી ખાનગી વાહનવાળાને ઘી કેળા મળતા રહે તેવુ લોકમુખે ચર્ચાય છે. તંત્ર દ્વારા સ્થાનિક રહિશોના લાભાર્થે તળાજાથી રબારીકા બસ વહેલી તકે શરૂ કરવાની તાતી આવશ્યકતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here