રાજ્યના અલગ અલગ પ્રાંત માંથી આવેલ કલાવૃંદોએ ૧૫ જેટલી બેનમૂન કૃતિઓ રજૂ કરી – રાજ્યના તમામ તિર્થસ્થાનોના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ – જીતુભાઇ વાઘાણી

દેવરાજ બુધેલીયા
સિહોરના રાજપરા ખાતેના માં ખોડીયાર મંદિર પરિસરમાં ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૧૯-૨૦ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ અલગ પ્રાંત જેવા કે અમદાવાદ, છોટાઉદેપુર, પોરબંદર, સુરત, વડોદરા ભાવનગર વગેરે સ્થળોએથી આવેલા કલા મંડળોએ આદિવાસી રાઠવા નૃત્ય, મણિયારો રાસ, હુડો રાસ, મિશ્ર રાસ, મરાઠી નૃત્ય, દેવી સ્તુતિ, તલવાર રાસ, પ્રાચીન ગરબા, ખળાવાડ લોક નૃત્ય, ટીપ્પણી હેલ્લારો તેમજ લોક ડાયરો વગેરે જેવી એક એકથી ચડિયાતી ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી હતી.

જેને ઉપસ્થિત સૌ કોઇએ મન ભરીને માણી હતી. આ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજપરા ખોડલધામ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે જ્યાં સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં લોકો આવી ઝુકાવે છે. જીતુભાઇ એ આ તકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને યાદ કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી છેલ્લા ૨૭ વર્ષથી દર પૂનમે અહીં માતાજીનાં દર્શને આવે છે. જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતના તમામ તીર્થસ્થાનોનું મહત્વ સમજી આ તીર્થ સ્થાનોમાં અનેક પ્રકારની ગ્રાન્ટ ની જોગવાઈઓ કરી વિવિધ પ્રકારની સુવિધાઓ અને દર્શનાર્થીઓ માટે સવલતો ઊભી કરી સર્વાંગી વિકાસ કરી રહી છે. કાર્યક્રમની શાબ્દિક આવકાર વિધી પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ તેમજ આભારવિધી યુવા વિકાસ અધિકારી ડો.અરૂણ ભલાણી દ્વારા કરવામા આવી હતી.

આ પ્રસંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દિપ્તીબેન ત્રિવેદી, પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ, મામલતદાર શ્રી સર્વે સિહોર, વલ્લભીપુર, ઉમરાળા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં માતાજીના ભક્તો તેમજ દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા..

ખોડિયાર ઉત્સવ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય પરષોત્તમભાઇ સોલંકીનું નામ જ ગાયબ

શંખનાદ કાર્યાલય
શનિવારે સિહોરના રાજપરા ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર ઉત્સવ ૨૦૧૯ ૨૦૨૦ ની ઉજવણી થઈ હતી ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીનું આમંત્રણ પત્રિકામાં નામનો ઉલ્લેખ નહિ કરાતા અને તર્કો સર્જાઈ રહ્યા છે ખાસ મહેમાનો અને અતિથિઓ માટે આમંત્રણ પત્રિકાઓ છાપવામાં આવી હતી આમંત્રણ પત્રિકામાં તળાજા કોંગ્રેસના કનુભાઈ બારૈયાનું નામ છાપવામાં આવ્યું છે પરંતુ રાજ્યના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકી નામ ગાયબ હોવાના કારણે આમંત્રણ પત્રિકાને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે સ્થાનિક કહેવાતા નેતાઓએ સ્થાનિક તંત્રને ધ્યાન દોરવાનું ટાળ્યું છે તેવી પણ એક હકીકત સામે આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here