બે દુકાનમાં તપાસ કરી લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો : પુરવઠા વિભાગની કાર્યવાહીના પગલે ખોટુ કરતા દુકાનદારોમાં ફફડાટ 


દેવરાજ બુધેલિયા 
વ્યાજબી ભાવની દુકાનમાં આધુનીકરણ થયુ છતા હજુ કેટલાક વ્યાજબી ભાવની દુકાનદાર દ્વારા કોઈને કોઈ રીતે ગેરરીતિ કરવામાં આવતી હોય છે, આવુ જ તળાજામાં જોવા મળ્યુ હતું. તળાજા શહેરના ગોપનાથ રોડ પર આવેલ બે વ્યાજબી ભાવની દુકાનમાં ગઈકાલે સોમવારે જિલ્લા પુરવઠા વિભાગ અને તળાજા મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં એક દુકાનમાં રેશનીંગની દુકાનમાં ગેરકાયદે રીતે કાર્ડ ધારકોના ઇ-કૂપન જનરેટ કરાતા હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તળાજા શહેરના ગોપનાથ રોડ, શીવ ઓઈલ મીલની સામેની દુકાનમાં બાતમીના આધારે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી.

જે પૈકી એક દુકાન ખાતે ગેરકાયદે રીતે રેશનકાર્ડ ધારકોના ઈ-કુપન જનરેટ કરતાં હોવાની માહિતી જાણવાં મળેલ હતી. તપાસ દરમિયાન દુકાન ખાતેથી લેપટોપ કુલ નંગ ૩, મંત્રા ડીવાઈઝ કુલ નંગ ૫, તુટેલા મંત્રા ડીવાઈઝ યુએસબી કનેકશન વાળા કુલ નંગ-૬, યુ.એસ.બી કનેકટર નંગ ૧, લેપટોપ ચાર્જ કુલ નંગ ૩, બારકોડ સ્કેનર ગન કુલ નંગ -૧ તથા અન્ય ઈલેક્ટોનિક સાધન-સામગ્રી ઉપરાંત જુદા જુદા ગામની એફ.પી.એસના ચોપડા, રજીસ્ટર અને અમુક ગામના રેશનકાર્ડ ધારકોના ઈ-કુપન મળી આવેલ છે. આ તમામ સાધન-સામગ્રી તથા રેકર્ડ મામલતદાર, તળાજા દ્વારા વધુ તપાસ માટે કબજે કરેલ તેમજ હાલ વિગતવાર તપાસ શરૂ છે.

ભાવનગર જિલ્લાનાં તમામ વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારઓને સસ્તા અનાજની દુકાન માટે આપવામાં આવેલ પરવાનાની તેમજ કરારનામાની અને અધિકારપત્રની તમામ શરતોના પાલન સાથે દુકાનનું સંચાલન કરવું. રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને નિયમોનુસાર, નિયમિતપણે મળવાપાત્ર અનાજના જથ્થાનું વિતરણ  કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં સોશીયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે કરવું. અન્યથા કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રેશનકાર્ડ ધારકોને જથ્થો મળ્યા અંગે એસએમએસ કે ઈ મેઈલ થી જાણ થયેથી જથ્થો ઓછો મળવા કે ન મળવાના કિસ્સામાં અત્રેની કચેરીના ઈ-મેઈલ અથવા લેખિતમાં જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગરે જણાવેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here