ભાવનગર એસ.પી.ને દલિત આગેવાનો દ્વારા રજુઆત, હત્યા અને એટ્રોસિટીનો ગુનો દાખલ, ગઇકાલે સારવાર દરમિયાન મોત થયું

મિલન કુવાડિયા
ભાવનગર જિલ્લાના ઘોઘાનાં સાણોદર ગામે ચૂંટણી રક્તરંજીત બની હતી. કોંગ્રેસનું વિજય સરઘસ યોજાયું હતું, જેમાં ગામનાં આધેડ સાથે બોલાચાલી થઈ જતાં ટોળાએ આધેડનાં ઘરમાં ઘુસી ગંભીર પણે માર મારતાં આધેડને હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને લઇ ઘોઘા પોલીસ મથકે 10 શખ્સો વિરૂધ્ધ મૃતકની પુત્રી નિર્મળાએ ફરિયાદ નોંધાવી છે.
મોડી સાંજ સુધી પરિવારજનોએ હત્યાના આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જ્યારે આજે વ્હેલી સવારે પોલીસે 10 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બોક્સ..

ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો

સાણોદર ગામનાં ઉમેદવારનું વિજય સરઘસ યોજાયું હતું. આ વિજય રેલી પર કોઈ શખ્સોએ કાંકરી ચાળો કરાતાં સરઘસમાં જોડાયેલા કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા અને સાણોદર ગામે રહેતો અમરાભાઈ મોહનભાઈ બોરીચા (ઉ.વ.60)નાં ઘરમાં ઘુસી લોખંડનો પાઈપ, ધોકા તથા કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજોઓ પહોંચાડી હતી. ત્યાબાદ ઇજાગ્રસ્તને 108 દ્વારા ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, આ બનાવમાં મૃતકની દીકરીને પણ ગંભીર ઇજા પહોંચી હતી

10 શખ્સો સામે ફરિયાદ

આ બનાવની જાણ થતાંની સાથે જ હોસ્પિટલે ટોળા ઉમટી પડ્યા હતા અને લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકની પુત્રી નિર્મલાબેન અમરાભાઈ બોરીચાએ 10 શખ્સો ભૈલુ નિરૂભા ગોહિલ, શક્તિસિંહ નિરૂભા ગોહિલ, જયરાજસિંહ સજુભા ગોહિલ, કનકસિંહ હારિતસિંહ ગોહિલ, પદુભા હારિતસિંહ ગોહિલ, મુન્નાભાઈ બલીભાઈ ગોહિલ, મનહરસિંહ જગદિશસિંહ ગોહિલ, હરપાલસિંહ ગીરીરાજસિંહ ગોહિલ, વિરમદેવસિંહ હરદેવસિંહ જાડેજા અને મનહરસિંહ છોટુભા ગોહિલ સામે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભાવનગર એસ.પી.નું નિવેદન

ભાવનગર એસ.પીએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઘોઘાના સણોદર ગામે બનેલ ઘટનાને લઈ 10 શખ્સો સામે ગુન્હો નોંધાયો છે, કોંગ્રેસ પક્ષ ઉમેદવારના ચૂંટણીમાં વિજય થતાં તેના ટેકેદારો સરઘસ રૂપે નીકળીતા હતા. ભૂતકાળમાં 2013થી 2015માં ગામના જ રહેવાસી અમરાભાઈ બોરીચા સાથે તેમને મનદુઃખ હતું, જેના કારણે અમારાભાઈના ઘર પાસેથી નીકળ્યા હતા. ત્યારે બંને પક્ષમાં બોલાચાલી દરમિયાન પથ્થરમારો થતાં અમરાભાઇ બોરીચા પર હુમલો કરાયો હતો, ઇજાગ્રસ્તને ભાવનગર સર ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ જ્યાં સારવારમાં તેમનું મોત થયું હતું. જે અંગે ઘોઘા પોલીસ સ્ટેશન મથકે હત્યા અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, મૃતકની પુત્રીએ 10 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે, વહેલી તકે પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here