કોરાનાના કપરાકાળ બાદ સિહોર શહેર અને જિલ્લાની સરકારી – ખાનગી સ્કુલમાં ધોરણ-૬ થી ધો.૮ના ઓફલાઇન વર્ગોનો તા.બીજીથી પ્રારંભ


બ્રિજેશ ગોસ્વામી
ઉચ્ચત્તર માધ્યમિક અને માધ્યમિક વિભાગ બાદ ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગની શાળાઓના દ્વાર વિદ્યાર્થીઓ માટે ખુલવા જઇ રહ્યાં છે. રાજ્ય સરકારે આગામી તા.બીજી સપ્ટેમ્બરથી ધોરણ-૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ઓફ લાઇન વર્ગો શરૃ કરવાની જાહેરાત કરી છે. સિહોર શહેર અને જિલ્લાની સ્કુલોમાં આગામી સપ્તાહથી ઓફ લાઇન વર્ગો શરૂ થશે અને વિદ્યાર્થીઓ સ્કુલમાં બેસીને શિક્ષણ મેળવી શકશે. જો કે સ્કુલ સંચાલકો અને આચાર્યોએ કોરોનાની ગાઇડલાઇન અને સરકાર દ્વારા આ અંગે રચવામાં આવેલી એસ.ઓ.પી.નું પાલન કરવાનું રહેશે.

જે અંગે જિલ્લાના અધિકારીઓને પણ સુચના આપવામાં આવી હતી.કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત શિક્ષણ ક્ષેત્ર થયું છે. ગત વર્ષે તો બોર્ડની પરીક્ષા પણ લઇ શકાઇ ન હતી. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે તેમ તેમ તબક્કાવાર વિવિધ વિભાગમાં ઓફ લાઇન વર્ગો શરૂ થઇ ગયાં છે. અગાઉ ધોરણ-૧૨ અને ૧૧ ના ઓફ લાઇન વર્ગો શરૂ કર્યા બાદ માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ-૯ અને ૧૦ની શાળાઓના દ્વાર પણ વિદ્યાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતાં. ત્યારે હવે ત્રીજી લહેરની શક્યતાઓ નહીં જણાતાં રાજ્ય સરકારે ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગની શાળાઓ પણ ખોલવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે ગઈકાલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સંક્રમણ ઘટતાં હવે આગામી તા.બીજી સપ્ટેમ્બરથી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ-૬ થી ૮ના ઓફ લાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કુલોમાં ધોરણ-૬ થી ૮ના ઓફલાઇન વર્ગો લેવામાં આવશે. શાળાના કલાસરૂમની ક્ષમતાના ૫૦ ટકા વિદ્યાર્થીઓને જ કલાસમાં પ્રવેશ આપવામાં આવશે એટલું જ  નહીં, અગાઉની જેમ શાળાએ જતાં વિદ્યાર્થીઓ પાસેથી સ્કુલના આચાર્યોએ સંમતિપત્રક ફરજીયાત લેવાનું રહેશે.

સિહોરની વાત કરીએ તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને ખાનગી-ગ્રાન્ટેડ તથા સરકારી ઉચ્ચત્તર પ્રાથમિક શાળાના દ્વાર આગામી તા.બીજી સપ્ટેમ્બરથી ખુલી જશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ જ્યારે ભારતમાં એન્ટ્રી લીધી એટલે કે માર્ચ ૨૦૨૦ થી ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ બંધ છે. ગત વર્ષે નવરાત્રી પહેલાં સ્કુલો ખોલવામાં આવી હતી પરંતુ બાદમાં સંક્રમણ વધતાં તમામ સ્કુલો ફરી બંધ કરી દેવામાં આવી હતી. આમ જોવા જઇએ તો દોઢ વર્ષ બાદ પ્રાથમિક શાળાના દ્વાર વિદ્યાર્થીઓ માટે ખુલશે તેમ કહીં શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here