શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છતાં એડમીશનનો કકળાટ, સરકારી કે અન્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓને દાખલ કરાવવા છે પણ શાળા છોડયા પ્રમાણપત્રના અભાવે પ્રવેશ મળતો નથી, ખાનગી સ્કૂલો પણ ફી માટે મજબુર
દેવરાજ બુધેલિયા
કોરોનાકાળના કારણે ચાલી રહેલું ઓનલાઇન શૈક્ષણિક સત્રમાં પણ વાલીઓ તથા સ્કૂલ સંચાલકો વચ્ચે ફી મુદ્દે ઘર્ષણનો સિલસિલો ચાલુ છે.કોરોનાને કારણે આર્થિક સ્થિતિ કથળતા વાલીઓ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં એડમીશન લેવડાવવા માંગે છે પણ ગયા વર્ષની પણ ફી નહીં ભરી હોવાને કારણે ખાનગી સ્કૂલ સંચાલકો આ વિદ્યાર્થીનું એલસી આપતા નથી અને એલસી વગર વિદ્યાર્થીનું ગ્રાન્ટેડ કે સરકારી સ્કૂલમાં એડમીશન થઇ શક્તું નથી. કોરોનાની સાઇડ ઇફેક્ટ શિક્ષણ ક્ષેત્રે ખાસ પડી છે વિદ્યાર્થીઓ સ્કૂલે જ જઇ શક્યા નથી તો બોર્ડના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવા પડયા છે.

એક બાજુ કોરોનાને કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કથળી છે તો સાથે સાથે સ્કૂલોમાં પણ ફીમાં કાપ મુકવામાં આવ્યો છે જેને કારણે ખાનગી સ્કૂલોની પણ આવક ઘટી છે. ત્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયે દોઢ મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતા એડમીનશનનો કકળાટ ઉભો થયો છે ઘણા વાલીઓને પોતાના બાળકનું એડમીશન ખાનગી સ્કૂલમાંથી રદ કરાવીને ઓછા ફીવાળી ખાનગી, ગ્રાન્ટેડ અથવા સરકારી શાળામાં કરાવવું છે પણ સામે હાલ વિદ્યાર્થી જે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

તે સ્કૂલની ફી પણ તે વાલીએ ભરી નહીં હોવાને કારણે સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓના લીવીંગ સર્ટીફીકેટ એટલે કે, શાળા છોડયાનું પ્રમાણપત્ર આપતા નથી.અન્ય સ્કૂલમાં કે જ્યાં એડમીશન લેવાનું છે ત્યાં આ શાળા છોડયાના પ્રમાણપત્ર વગર વિદ્યાર્થીને પ્રવેશ મળતો નથી.એટલે વાલી જુના વર્ષની ફી નહીં ભરી શકવાને કારણે સ્કૂલ સંચાલકો એલસી આપતા નથી અને આ જ એલસી નહીં હોવાને કારણે વાલી સરકારી કે ઓછી ફીવાળી સ્કૂલમાં એડમીશન લઇ શક્તા નથી. આવી સ્થિતિમાં સરકારે કે સ્થાનિક શિક્ષણ તંત્રએ મધ્યસ્થી કરીને વાલીઓને ફીમાં રાહત મળે અને વિદ્યાર્થીનું એલસી પણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

પ્રાથમિકથી લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓની આ હાલત છે તેમ છતા તંત્ર દ્વારા કોઇ મધ્યસ્થીરૂપી પગલાં ભરાતા નથી અને વાલી તથા ખાનગી સ્કૂલ સંચાલકોની ફી બાબતની આ તિરાડ વધુને વધુ મોટી થઇ રહી છે.જેના કારણે ચાલુ વર્ષની ફી પણ વાલીના માથે ચઢી રહી છે. આમ, વાલી વિદ્યાર્થીને સરકાર સ્કૂલમાં ભણાવવા ઇચ્છે છે તેમ છતા જુના વર્ષની ફી નહીં ભરી હોવાને કારણે તે ચાલુ શૈક્ષણિક સત્રમાં સરકારી સ્કૂલમાં ભણાવી શક્તા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here