મુખ્યમાર્ગો ઉપર પડેલા ખાડા અવર-જવર કરતાં વાહનચાલકો – રાહદારીઓ માટે જોખમી બન્યાં છે

માર્ગો ઉપર ભરાયેલાં વરસાદી પાણી નહીં ઓસરતાં મસ મોટા ખાડા પડી જવાથી વાહનચાલકોને અવર-જવરમાં મુશ્કેલી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર નજીક આજુબાજુ વિસ્તારો અને ગ્રામ્ય પંથકમાં તંત્ર દ્વારા અગાઉ સમયમાં નવા માર્ગો બનાવવામાં આવ્યા હતાં. નબળી કામગીરી હોય તેમ આ માર્ગો તુટી ગયા છે તાજેતરમાં થયેલા વરસાદમાં આ માર્ગો ધોવાઇ જવાથી ઠેક ઠેકાણે ખાડા પડી જવાની સાથે સાથે ઉબડ – ખાબડ થઇ જવાથી વાહનચાલકો માટે જોખમી બન્યા છે. બિસ્માર બનેલાં આ માર્ગો તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યાં છે. માર્ગો પાછળ તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ગત વર્ષે ચોમાસાની મોસમમાં માર્ગો તુટી ગયા હતા. ત્યારબાદ સમારકામ કરવામાં આવ્યું હતું. નબળી કામગીરીની પોલ આ માર્ગો ખોલી રહ્યાં હોય તેમ ટુંકાગાળામાં જ રસ્તા બિસ્માર બની ગયા હતા.

ત્યારે તાજેતરમાં થયેલાં વરસાદમાં સંપુર્ણપણે આ માર્ગો ધોવાઇ ગયા હોય તેવું હાલમાં નજરે પડી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોની અવર જવર આ માર્ગો ઉપર દિવસ દરમિયાન થતી હોય છે. વરસાદના પાણી માર્ગો ઉપરથી નહી ઓસરતાં મસમોટા ખાડા પડી જવા પામ્યા છે. જેના પગલે ઉબડ-ખાબડ થઇ ગયેલા માર્ગો ઉપરથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલાં માર્ગો વરસાદી પાણીમાં ધોવાઇ જતાં ખર્ચેલાં રૂપિયા પણ પાણીમાં ગયા હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે. હાલમાં આ માર્ગો ઉપરથી પસાર થવામાં પણ સ્થાનિક રહિશોને ડર સતાવી રહ્યો છે. સત્વરે માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here