શહેરના મુખ્ય માર્ગો, ખાંચા-ગલ્લી અને સોસાયટીના રસ્તાઓ ભાંગીને ભુક્કો, સિહોરને ગામડુ બનતું અટકાવવા સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો આગળ આવશે ખરા ?

માત્ર ચૂંટણી ટાણે ખોળો પાથરી મત માંગનારા નેતાઓને આજે ખુલ્લી આંખે સિહોરની દૂર્દશા દેખાતી નથી

બ્રિજેશ ગૌસ્વામી
ભ્રષ્ટાચારના અજગરી ભરડા વચ્ચે સિહોર આજે ખાડાનગર બનતું જોવા મળી રહ્યું છે. શહેર અને શહેરને જોડતા માર્ગો ખખડધજ બનતા મગરની પીઠ સમાન ભાસી રહ્યાં છે. રોડ-રસ્તાના કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનિક તંત્ર કે પ્રજાના મતે ચૂંટાયેલા નેતાઓને ખુલ્લી આંખે પણ કશું જ દેખાતું નથી ત્યારે સિહોરને ગામડું બનતું અટકાવવા સ્થાનિક સંસ્થાઓ કે આગેવાનો આગળ આવશે ખરા ? તેવા સવાલો આજે પ્રજાજનોના જનમાનસ પર ઉપસી રહ્યાં છે. જાજરમાન ઇતિહાસ ધરાવતું સિંહપુર નગરી આજે ભાંગવાની કતારે આવી ઉભુ હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ભાવનગરની ભાગોળે આવેલ સિહોરને ભ્રષ્ટાચારેે અજગરી ભરડો લીધો છે. શહેર અને શહેરને જોડતા માર્ગો પર મસમોટા ખાડા અને તુટેલા રોડથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

આજે શહેરના અનેક નાનામોટા માર્ગો વાહન ચલાવવા માટે લાયક રહ્યા નથી. શહેરના મુખ્ય માર્ગો, ખાંચા-ગલ્લી અને સોસાયટીના રસ્તાઓ ભાંગીને ભુક્કો થયા છે. રોડ પરનો ડામર ઉખડી તેનું સ્થાન આજે ખાડાઓએ લીધું છે ત્યારે સિહોરનો ઘાંઘળી રેલવે રોડ વાળો રોડ પણ અતિ બિસ્માર હાલતમાં છે આ બનેલા રસ્તાઓ તુટી ગયા છે જે ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યાં છે. જાહેર માર્ગો પર પડેલા ખાડાના પગલે અનેક અકસ્માતો બની રહ્યાં છે.

ચોરે અને ચોટે ભ્રષ્ટાચારનો ભોરીંગ અને ભયંકર ખાડાઓની ચર્ચા થઇ રહી છે સિહોરના ઉદ્યોગોની સાથે માર્ગો પણ ભાંગ્યા છે. ચૂંટણી ટાણે ખોળો પાથરી મત માંગવા આવનારા નેતાઓને આજે ખુલ્લી આંખે પણ દૂર્દશા દેખાતી નથી રોડ રસ્તાના કારણે બનતી અકસ્માતોની ઘટના દિનપ્રતિદિન સામે આવી રહી છે. શહેરીજનો શહેરના માર્ગોથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે પરંતુ પ્રજાના મતથી ચૂંટાયેલા નેતાઓ કે સ્થાનિક પ્રશાસનને આજે કશું દેખાતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here