આખાઈ રાજ્યમાં ક્યાંય દસ દિવસે પાણી આપવામાં આવતું નથી, સત્તાધીશોને પૈસા ભેગા કરવામાં જ રસ છે, લોકડાઉન સમયે આવકનો સ્ત્રોત નથી ત્યારે ૫૦૦% ટકાનો વધારો કેટલો વ્યાજબી, મહિલાઓની આક્રોશભેર રજુઆત

હરેશ પવાર
લોકોના પાયાના પ્રશ્નોને ઉકેલવા માટે સ્થાનિક સ્વરાજયની સંસ્થા અમલમાં લાવવામાં આવી. આ પાયાના પ્રશ્નોમાં પાણી,ગટર, રોડ-રસ્તા અને સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધાઓનો સમાવેશ થતો હોય છે. પરંતુ સિહોરમાં પાણી જેવી પાયાની પૂરતી સુવિધા નગરજનોને ઉપલબ્ધ ન થતી હોવા છતાં નગરજનો ઉપર પાણી વેરામાં કમરતોડ વધારો કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે સિહોર વોર્ડ નંબર ૪ની મહિલાઓ બાયો ચડાવી છે અને રજુઆત કરી છે કે સમયસર અને ચોખ્ખું પાણી આપો પછી જ વેરો ભરશું અને વેરો વધારવામાં આવેલ છે જે ગેર વ્યાજબી અને ગેર બંધારણીય છે , સિહોર નગરપાલિકા નાગરીકને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં પણ ઉણી ઉતરી છે ગુજરાતનું એક પણ શહેર એવું નથી કે જયાં આઠ કે દસ દિવસે પાણી સપ્લાય કરવામાં આવતાં હોય ફકત સિહોરમાં જ આવું ચાલે છે.

જે પાણી આપવામાં આવે છે તે ફિલ્ટર પણ કરવામાં આવતું નથી હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે જેમાં લોકોએ પોતાની રોગ પ્રતિકારક શકિત વધારવાની હોય છે અને બહારથી ઘરમાં આવતા ન્હાવુ પડે છે પરંતુ જયારે નગરપાલિકા આઠ કે દસ દિવસે ફકત બે કલાક પાણી છે તો આ મહામારી સામે કેવી રીતે લડી શકાય ? અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ લોકો નાહી પણ શકતા નથી કે ૨૦ સેકન્ડ સુધી હાથ પણ ધોઈ શકતા નથી.સિહોર નગરપાલિકાના સત્તાધીશોને તો ફકત ભ્રષ્ટાચાર કરવામાં અને પૈસા ભેગા કરવામાં જ રસ છે તેઓ પ્રજાનું જે થવું હોય તે થાય તેમજ વિચારે છે.સિહોર નગર પાલિકાના સત્તાધીશો તો આ કહેવતને જ અનુસરે છે ” વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણ ભરો ” સરકારશ્રી તરફથી કરોડોની ગ્રાન્ડ ફિલ્ટર પ્લાન્ટ માટે આવેલ અને ગૌતમેશ્વર તળાવ પાસે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં પણ આવ્યો છે.

પરંતુ સત્તાધીશોની પૈસાની ભુખ લાલસાને કારણે અને ટેકનીકલી એના આવડતના કારણે આજ દિન સુધી આ ફિલ્ટર પ્લાન્ટમાં એક ટીપું પાણી પણ ફિલ્ટર કરવામાં આવેલ નથી અને પૈસાનો ધુમાડો થયો છે તો આના માટે કોણ જવાબદાર છે તે અમારે જાણવું છે . અને દોષિતને દંડ આપવો જરૂરી છે એટલે કે પ્રજા ભલે મરે કે હેરાન થાય પણ સત્તાધીશો સત્તાના મદમાં જ રાચે છે અને કરોડોની ગ્રાન્ટમાંથી પહેલા પોતાનું ઘર ભરે છે . સૌ પહેલા નિયમિત એકાંતરે પાણી આપો અને તે પણ ફિલ્ટર કરેલું નહિતર આ વર્ષે કોઈપણ વેરો ભરવાના નથી સત્તાધીશોને પૈસાની કેટલી ભુખ છે કે લગલગાટ ૯૦ દિવસનાં લોકડાઉન બાદ જયારે પ્રજા પાસે કોઈ જ આવકનાં સાધનો ન હોવા છતા વેરાનો વધારો કેટલો યોગ્ય છે શહેરની પ્રજા હવે સહન કરશે નહીં તેવી રજુઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here