શાળાઓ બંધ,નવરાત્રિ અંગે અવઢવની સ્થિતિ છે ત્યારે મતદાન મથકો કયાં ઉભા કરવા, ગામડાઓમાં ઓનલાઈન પ્રચાર કેમ કરવો ? અનેક સવાલો

સલીમ બરફવાળા
ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ  સુધરવાને બદલે ગંભીર બની રહી છે. રાજયભરમાં દૈનિક ૧૩૦૦ થી વધુ કોરોનાનાં કેસ નોંધાઈ રહયા છે ભાવનગર જિલ્લામાં ૫૦ થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે આવા કપરા સમયમાં શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં નહિ આવે નવરાત્રિની ઉજવણી અંગે પણ અવઢવભરી સ્થિતિ છે ત્યારે  આગામી દિવસોમાં આવી રહેલી જિલ્લા – તાલુકા પંચાયતોની ચૂંટણીઓ પણ પાછી ઠેલવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે અનલોક – ૪ માં  સરકારે  કેટલીક  છૂટછાટો આપ્યા બાદ રાજય ચૂંટણી આયોગે તો ચૂંટણી કરાવવા માટે આગળ વધી રહયુ છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના બેઠકોનું નવુ સિમાંકન જાહેર કરી દેવામાં આવ્યુ છે.

પરંતુ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહયુ છે ત્યારે ચૂંટણીઓ સરકારે ખાસ અસાધારાણ સંજોગોને ધ્યાને લઈને પાછી ઠેલવી જોઈએ તેવી માંગ લોકો માંથી ઉઠી રહી છે શાળાઓ બંધ છે ત્યારે મતદાન મથકો કયાં ઉભા કરવા અને સંક્રમણનો ખતરો વધી રહયો છે તેવા સંજોગોમાં પ્રચાર કેમ કરવો. ગામડાઓમાં તો પ૦ ટકા કરતા વધુ મતદારો પાસે મોબાઈલ હોતા નથી ત્યારે ઓનલાઈન પ્રચાર પણ કેમ કરવો ?  ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીઓની કામગીરી કરવી કઠીન હોય આવા સંજોગોમાં સરકારે નવેમ્બર – ડિસેમ્બરનાં બદલે ત્રણેક મહિના ચૂંટણીઓ પાછી ઠેલવી જોઈએ. ચૂંટણી કરતા લોકોની જિંદગી મહત્વની છે. ચૂંટણીની આચાર સંહિતા દોઢેક મહિના પહેલા લાગુ પડી જતી હોય છે સરકારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અંગે સ્થિતિ વહેલી તકે સ્પષ્ટ કરવી જોઈએ તેવી લોકોમાં માગણી થઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here