ડીજીટલ ઇન્ડિયા નું સ્વપ્ન સાકાર કરી રહી છે આ સરકારી શાળા, સિહોર નજીકની કરદેજ ની પ્રાથમિક કન્યાશાળા વેબપોર્ટલ યુક્ત બની.

શાળાની વિદ્યાર્થીનીઓ ને કયું-આર કોર્ડ વાળા કાર્ડ આપવામાં આવ્યા છે, જેના દ્વારા તેમની શાળાની અંદર-બહાર ની જાણકારી વાલીઓ રાખી શકે છે, શાળાની શૈક્ષણિક પ્રવૃતિને વાલીઓ ઓનલાઈન નિહાળી શકે છે.

મિલન કુવાડિયા
૨૧ મી સદીના આધુનિક યુગમાં ડીજીટલ ઇન્ડીયાનું સ્વપ્ન સાર્થક થઇ રહ્યું છે. શહેરી વિસ્તારથી લઇ અને ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં હવે ડીજીટલ આધુનિકરણ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સિહોરથી દસ કિમિ કરદેજ ગામની કન્યા પ્રાથમિક શાળા કે જે રાજ્યભરની સરકારી શાળાઓમાં નમૂનારૂપ શાળા બની રહી છે.જેમાં ડીજીટલ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો સાથે સાથે શાળાકીય વેબપોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. કરદેજ ગામ કે જ્યાં રાજવી પરિવારે આપેલી જમીન પરત કાર્યરત સરકારી પ્રાથમિક કન્યાશાળા હવે રાજ્યભરમાં એક નમૂનારૂપ ડીજીટલ શાળા બનવા જઈ રહી છે. આ શાળાનું ડીજીટલ આધુનિકરણ કરવામાં શાળાના શિક્ષકોનો મહત્વનો ફાળો છે.

રાજ્યની આ પ્રથમ સરકારી શાળા હશે કે જેમાં વેબપોર્ટલ ટેકનોલોજી નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની ને જે આઈ કાર્ડ આપવામાં આવ્યા છે તે કયું-આર કોર્ડ વાળા છે જેથી શાળામાં પ્રવેશ ની સાથે જ તેનું સ્કેનીંગ થાય છે અને વિદ્યાર્થીની શાળાની અંદર પહોચી ગઈ છે જેની જાણ મોબાઈલ એપ દ્વારા તેના વાલીને થઇ જાય છે ઉપરાંત જયારે પણ વિદ્યાર્થીની શાળાની બહાર જાય ત્યારે પણ તેની જાણકારી તેના વાલીને મળી જાય છે. આ ઉપરાંત આ શાળાના તમામ રૂમ સીસીટીવી થી સજ્જ છે અને જેને પણ પોર્ટલ સાથે જોડી વાલીઓ પોતાના બાળકો શાળામાં શું કરી રહ્યા છે તે પણ ગમે ત્યારે જોઈ શકે છે ઉપરાંત રોજીંદી શાળાકીય પ્રવુતિ પણ વાલીઓ ઘરે બેઠા નિહાળી શકે છે.

સૌથી મહતવની બાબત કે જેમાં જો વિદ્યાર્થીની કોઈ કારણોસર શાળામાં ગેરહાજર હોય તો તે તેમના ઘરે થી પોતાના મોબાઈલ માં રહેલી એપ દ્વારા રજા રીપોર્ટ મૂકી શકે છે, શાળામાં ચાલી રહેલા અભ્યાસ અંગે પણ માહિતી મેળવી શકે છે. આ તમામ ટેકનોલોજી ની કામગીરી પણ શાળાની અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા જ કરવામાં આવી રહી છે. આ બાબતે વાલીઓ પણ શાળાની કાર્યપધ્ધતિ અને ટેકનોલોજી સભર અભ્યાસથી ખુશ ખુશ જણાઈ રહ્યા છે. વાલીઓ પોતે પણ પોતાના મોબાઈલમાં શાળાની વિવિધ એપ્લીકેશન સાથે જોડાઈ શાળાની શૈક્ષણિક પ્રવૃતિઓ ઓનલાઈન જોઈ શકે છે . સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાના વાલીના વોટ્સએપ માં શાળાના ગ્રુપમાં આવેલી લીંક ઓપન કરી ઘરે બેઠા પરીક્ષા પણ આપી રહ્યા છે અને તેમાંપ્રાપ્ત કરેલા ગુણ પણ તેઓ ઓનલાઈન જ મેળવી શકે છે.

આમ આ ડીજીટલ શાળા વડાપ્રધાન ના ડીજીટલ ઇન્ડીયાના સ્વપન ને સાકાર કરી રહી છે. આ શાળાને ડીજીટલ બનાવવામાં શાળાના શિક્ષકો નો મહત્વ નો ફાળો છે. તેઓ આ બાબતે ગર્વ મહેસુસ કરી કહી રહ્યા છે કે તેમની શાળાના તમામ વિદ્યાર્થીઓ વેબપોર્ટલ સાથે જોડાયેલા છે. યુઝરનેઈમ પાસવર્ડ દ્વારા આ વેબપોર્ટલ સાથે જોડાઈ વિદ્યાર્થીનીઓના જન્મ દિવસની શુભકામના તેમના મોબાઈલ પર પાઠવવા, વિવિધ ટેસ્ટ ના માર્ક્સ ઓનલાઈન પ્રાપ્ત કરવા સાથે સાથે કોમ્પ્યુટર ના પાર્ટ્સ ની ઓળખ અને સામાન્ય રીપેરીંગ જેવી બાબતો નું જ્ઞાન પણ આ શાળાની વિદ્યાર્થીનીઓ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડીજીટલ ઇન્ડીયાના સ્વપ્ન ને સાકાર કરતી કરદેજ ની પ્રાથમિક કન્યાશાળાએ રાજ્યભરમાં એક અલગ નામના ઉભી કરી છે. જેનું ગૌરવ વિદ્યાર્થીનીઓ, તેના વાલીઓ અને શાળાના શિક્ષકો લઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here