દર ૩૨ મહિને આવતો અધિક માસ, આ વખતે અધિક આસો, કાલથી  એક માસ  જપ,પારાયણ,પૂજન અર્ચનના મંગલ ધર્મકાર્યો 

મિલન કુવાડિયા
લાખો ઘરોમાં જે શ્રધ્ધા અને ભાવથી સદીથી ઉજવાતા રહ્યા છે તેવા પર્વો આવી રહ્યા છે. આવતીકાલે  સર્વ પિતૃ અમાસ નિમિત્તે પિતૃ તર્પણ, પીપળે પાણી રેડવા સહિતના ધર્મકાર્યો પરંપરાગત રીતે થશે. તો શુક્રવારથી દર પોણા ત્રણ વર્ષે આવતો અધિક માસ કે જેને પુરૂષોત્તમ માસ કહે છે તે નિમિત્તે આખો મહિનો વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યોનો ધમધમાટ રહેશે. જો કે કોરોના મહામારી હાલ વ્યાપક રીતે પ્રસરી છે ત્યારે આ વખતે સામુહિકને બદલે ઘરે ઘરે પર્વ મનાવવામાં આવશે. આવતીકાલે સર્વ પિતૃ અમાસના દિવસે જેમની તિથિ ચૂકાઈ ગઈ હોય કે પરિવારજનોથી ભૂલાઈ ગઈ હોય તેવા પિતૃઓને તર્પણ કરવાનો મહિમા છે.

સામાન્ય રીતે ભાદરવા વદના પખવાડિયા શ્રાધ્ધના દિવસો ગણાય છે જેમાં પિતૃઓનું જે તિથિએ નિધન થયું હોય તે ભાદરવાવદની તિથિમાં પિતૃકાર્ય થતું હોય છે પરંતુ, આવતીકાલે તમામ પિતૃઓ માટે જળ,તલ,કૂશ વગેરેથી તર્પણ, પીપળે પાણી રેડવું, ગૌમાતાને ઘાસ નિરવું, બ્રહ્મ ભોજન વગેરેનું મહત્વ રહેલું છે. તો ગુરૂવારે દર ૩૨ મહિને આવતો અધિક માસ આ વખતે  અધિક આસો માસ તરીકે આવે છે જે પુરૂષોત્તમમાસ તરીકે ઉજવાશે. આ મહિનાનામાં જગતના પાલન પોષણના દેવ ભગવાન વિષ્ણુના પૂજન અર્ચન થશે. પારાયણ, યાત્રા, જપ માળા, પૂજન-અર્ચન વગેરે ધર્મકાર્યોથી આ મહિનો સૌરાષ્ટ્રમાં ઉજવાતો રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here