બટાકા બાદ ગરીબોની કસ્તુરી પણ મોંઘી થઇ, ડુંગળીના પ્રતિ કિલોએ ભાવ રૂ.૫૦ને પાર પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


બ્રિજેશ ગૌસ્વામી
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ સિહોર કે જિલ્લામાં પ્રતિ કીલોએ ૫૦ ઉપર પહોંચી જતા ગૃહિણીઓના આંખમાં પાણી આવી ગયા છે. અન્ય રાજ્યોમાં ડુંગળીની આવક ઘટતાં ભાવ ઉંચકાયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાક જથ્થાબંધ વેપારીઓ દ્વારા સંગ્રહખોરી કરી ડુંગળીની કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી હોવાનો મત પણ વ્યક્ત કરાયો છે. ગત સપ્તાહે જિલ્લામાં ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ ૩૦ થી ૪૦ રૂપિયા બોલાયા હતા. જો કે છેલ્લા ત્રણેક દિવસથી ડુંગળીના ભાવમાં દિનપ્રતિદિન વધારો થયો છે અને હાલ સિહોરમાં ડુંગળીના ભાવ ૫૦ રૂપિયે પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. ડુંગળીના વધતા જતા ભાવને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

જેને લઈ ખડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભારતમાંથી શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત યુએઈમાં ડુંગળીની નિકાસ થાય છે. ત્યારે સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચવાની ભીતિ કોરી ખાઈ રહી છે. રાજ્યોમાં ચાલુ વર્ષે ભારે વરસાદ વરસ્યો હોવાના બહાના હેઠળ છેલ્લા કેટલાંક દિવસથી ડુંગળીના ભાવો દિનપ્રતિદિન વધારવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ ડુંગળીના વિપુલ જથ્થો હોવા છતાં કેટલાંક જથ્થાબંધ વેપારીઓ દ્વારા ગોડાઉનોમાં મોટી માત્રામાં સંગ્રહખોરી કરી ડુંગળીના તગડા ભાવ વસૂલવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

એક તરફ ભારે વરસાદના કારણે વિવિધ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ડુંગળીના ભાવ પણ ઉંચકાતા ગરીબ મધ્યમવર્ગના પરિવારોના બજેટ ખોરવાયા છે. કોરોનાકાળમાં દિનપ્રતિદિન ભાવમાં વધારો થવાના કારણે ગરીબોની કસ્તુરી લોકોને રડાવી રહી છે. તો ગૃહિણીઓના બજેટ ઉપર પણ ભાવ વધારાની અસર જોવા મળી હોય તેમ ખરીદવાનું પણ ટાળી રહ્યાં છે. તો બીજી તરફ ઘણા પરિવારોના મેનુમાથી ડુંગળી ગાયબ થઇ ગઇ છે. બટાકાની સાથે સાથે ડુંગળી સહિત અન્ય શાકભાજીના પણ ભાવ વધારો થવાથી શાકભાજીનો સ્વાદ પણ હવે કડવો લાગી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here