પૈસા મારો પરમેશ્વર હું પૈસાનો દાસ


શંખનાદ કાર્યાલય
એક તરફ કોરોના મહામારીના કારણે સામાન્ય વર્ગની આર્થિક કમર તુટી જવા પામી છે. ધંધા-રોજગાર પણ ભાંગી પડયા છે ત્યારે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે તેવા સંજોગોથી સારી રીતે પરિચિત કેટલીક તાલુકાઓની ખાનગી શાળાના સંચાલકો સહેજપણ નમતુ જોખવા તૈયાર નથી અને સરકારની વિનંતી પણ ફગાવી સત્ર ફી, અન્ય ફી અને શિક્ષણ ફી વસુલવા ખાનગીરાહે ધમપછાડા શરૂ કરી ફી એકત્ર કરવાનું જ મીશન હાથ પર લેવાયું છે અને તંત્ર પણ ચુપકીદી સેવી બેઠું છે. શિક્ષણ મંત્રીએ દિવાળી સુધી શાળા બંધની જાહેરાત કરી આરોગ્યની ખેવના કરી પણ વાલીની આર્થિક સ્થિતિનું શું ?

લોકડાઉનના બે માસ અને ત્યારબાદ ગલીએ ગલીએ અને ઘરે ઘરે પહોંચેલ કોરોનાના કારણે લોકોની આર્થિક કમર ભાંગી ગઈ છે. જ્યારે મસમોટા બિલ્ડીંગો બનાવી વર્ષોથી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ હાલના કપરા દિવસોમાં માનવતા જાણે કોરાણે મુકી હોય તેમ ફી ઉઘરાવવા વાલીને ફોન કરીને લેસન અપાય છે. તો કેટલીક સ્કુલોમાં એલ.સી. લઈ જવાનું પણ સ્પષ્ટ જણાવી દેવાતુ હોવાનું જણાયુ છે. આમ આર્થિક ભીસમાં ફી ભરવાનું પ્રેશર દુર કરવા છેક વાલીની અંદરની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે પરંતુ પોતાના બાળકના ભવિષ્યની ચિંતાને લઈ અથવા કોઈ બોલે તો અવાજ દબાવવાનો પણ હીન પ્રયાસ કરવાનું ચુકાતુ નથી. તમામ ખાનગી શાળાઓમાંથી કેટલીક શાળાના સંચાલકોએ માનવતાના સાદની કેર પણ કરી છે અને ફી માફી કે અડધી ફી જેવી રાહત પણ જાહેર કરી છે.

આમ નાની ખાનગી શાળા જો આટલી ઉદારતા દાખવી શકતા હોય તો વિશાળ વિદ્યાર્થી વર્ગ ધરાવતી શાળાઓને ક્યા પેટમાં દુઃખે છે. સિહોર શહેર અને તાલુકાઓની મોટાભાગની શાળામાં ફીના ઉઘરાણા બેફામ બન્યા છે. તાજેતરમાં શિક્ષણમંત્રીએ બાળકોના આરોગ્યની દરકાર કરી શાળાઓ દિવાળી સુધી બંધ રાખવા જણાવ્યું છે. પરંતુ શાળાઓ બંધ રાખી ફી ઉઘરાણા શરૂ રહ્યા છે. તેના વિશે કશી ટીપ્પણી કરી ન હતી. વિદ્યાર્થીના આરોગ્યની સાથો સાથ વાલીઓના આર્થિક સધ્ધરતાનો વિચાર કરવાનું કેમ ભુલાય ? તેવા સવાલ વાલી વર્ગમાંથી ઉઠવા પામ્યા છે. વિકાસ સપ્તાહ ઉજવતા શિક્ષણમંત્રી આ બાબતે કેમ લડાયક નથી ? શાળાઓ ઓનલાઈન શિક્ષણ આપે છે.

ચોક્કસ તેની ફી હોવી જોઈએ પણ તે માત્ર શિક્ષકોના પગાર પુરતી મર્યાદીત હોવી જોઈએ નહીં કે પહેલાની જેમ રાબેતા મુજબની અને સંચાલકોના એકાઉન્ટ સધ્ધર કરવાની પરંતુ રૂપિયા ભેગા કરવાની હોડ લાગી છે જે સમુળગી બાબતથી તંત્ર અને રાજકીય આગેવાનો સારી રીતે પરિચિત છે. છતાં ચુપકીદી સેવી બેઠા છે અને સત્તા હોવા છતાં ફી ઘટાડાની વિનંતી થાય અને તેને ઠુકરાવાય છે આતો ક્યાંનો ન્યાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here