ધર્મસ્થાનકોમાં હવનના આયોજનો મર્યાદિત ભાવિકોની હાજરીમાં યોજાશે, નવરાત્રિ મહોત્સવ બાદના આ અવસરે પણ ખેલૈયાઓ દાંડીયારાસ રમવાથી વંચિત રહેશે

હરેશ પવાર
દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે આવતીકાલે શનિવારે સિહોર સાથે જિલ્લામાં શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે નવરાત્રિ મહોત્સવની જેમ શરદપૂર્ણિમાની પણ સાદાઈથી જ ઉજવણી કરાશે. આ પ્રસંગે મહારાસના આયોજનો યોજાશે નહિ.શકિતની સાધના અને આરાધનાના નવલા મહાપર્વેનવરાત્રિમાં આ વર્ષે કોરોનાના કહેરના કારણે સામુહિક આયોજનો પર પ્રતિબંધ મુકાયો હતો તેથી શહેરના વિવિધ સ્થળોએ  સાર્વજનિક અને પ્રોફેશ્નલ દાંડીયારાસના કાર્યક્રમો યોજાયા ન હતા. જેના કારણે યુવાન ખેલૈયાઓ નિરાશ થયા હતા.

શકિતપર્વ નવરાત્રિ દરમિયાન જગત જનની જગદંબાની આરાધનાર્થે ઘૂમતા ગરબા સાથેના નવરાત્રિ મહોત્સવની ખરેખર પુર્ણાહુતિ શરદપૂર્ણિમાના અવસરે થતી હોય છે. આ પર્વે રઢીયાળી રાત્રીના મોટા ભાગના સ્થાનિક સમાજ, જ્ઞાાતિ, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા જે તે સંસ્થાની વાડી,પ્લોટ કે છાત્રાલયમાં ખાનગી ધોરણે રાસ ગરબાના આયોજન કરવામાં આવે છે.જાહેર નવરાત્રિ મહોત્સવ નિમીત્તે દાંડીયારાસના કાર્યક્રમો યોજાતા હતા. જેમાં બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ લોકો મન મુકીને રાસ ગરબાની રમઝટ બોલાવતા હતા.

આ તમામ કાર્યક્રમો આ વર્ષે કોરોનાની મહામારીના કારણે બંધ રાખવામાં આવનાર હોય ખેલૈયાઓ નવરાત્રિ બાદ ફરી વખત નિરાશ થયા છે.આ સાથે શરદ પૂર્ણિમા પર્વે વિવિધ ધર્મસ્થાનકોમાં સ્વાંગ અને હોમ હવનના આયોજનો પણ મર્યાદિત ભાવિકોની હાજરીમાં યોજાશે. તેમજ રાત્રીના ગગનમાંથી વરસતી અમૃતધારાનો લ્હાવો લેવા નવવિવાહિત દંપતિઓ, યુવાનો તેમના સમવયસ્ક મિત્રો અને સ્વજનોની સાથે કુદરતના ખોળે ખેલવા જાણીતા પર્યટન સ્થળોએ ઉમટી પડતા હોય છે આવા આયોજન પણ આ વર્ષે સંભવીત બહોળી માનવભીડના કારણે સરકારી ગાઈડલાઈન મુજબ યોજવા પડશે તેથી સૌ કોઈને કદાચ અઘરા થઈ પડે તેમ જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here