રાત્રે દુધ-પૌઆનો જલ્સો : જાહેર કાર્યક્રમો રદ, પરંતુ ઘર-ઘર અગાસીએ ઉત્સવ : આરોગ્ય અને સૌંદર્ય ખોલવાનો અવસર


બ્રિજેશ ગૌસ્વામી
કહો પુનમના ચાંદને આજે ઉગે આથમણી ઓર… સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના તેજોમય વાતાવરણમાં આજે રાત્રી રઢીયાળી બની રહેશે. આસો સૂદ પુનમની આજે શરદ પૂનમ તરીકે ઉજવણી થઈ છે આમ તો સામાન્ય દિવસોમાં નવરાત્રી પછી શરદ પૂર્ણીમાએ ફરી એક દિવસીય રાસોત્સવ જામતો હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતી થોડી જુદી છે. કોરોના સંક્રમણથી બચવા ખુબ સંયમ દાખવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે શરદ પૂર્ણીમાએ યોજાતા જાહેર કાર્યક્રમો આ વર્ષે બંધ રાખવામાં આવ્યા છે.જાહેર કાર્યક્રમો ભલે બંધ રહ્યા પણ ઘરે ઘરે અગાસીએ અગાસીએ તો અવસરનો આનંદ ચોકકસ લુંટાશે.

ચાંદનીના ઝળહળતા તેજ સામે દુધ પૌવા ધરાવી તેનો પ્રસાદ આરોગવાનું મહત્વ કાંઇ ઓછુ નથી. શરદ પૂનમે દુધ પૌઆ આરોગવાનું આયુર્વેદીક મહત્વ હોય છે. ચંદ્રમાના અજવાળે ધરાવેલા સાકર મિશ્રિત દુધ પૌઆ લોકો હોશે હોશે આરોગશે. રાત્રે શરદ પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠતા દિવસ જેવું અંજવાળુ રેલાશે.  આ અજવાળાની ઉર્જા સાત્વીક હોય છે. શરદપૂર્ણીમાંની રાત્રીના ગ્રહણ કરેલી આ ઉર્જા આખુ વર્ષ નિરોગીપણુ પ્રદાન કરે છે. પ્રેમી હૈયાઓ માટે પણ શરદ ઋતુની આ ચાંદની રાત ઘણી મોંઘેરી બની રહે છે.

ધાર્મિક આધ્યાત્મિક મહત્વ જોઇએ તો આ દિવસે ધ્યાન-પ્રાર્થના-સત્સંગના આયોજનો પણ કરવામાં આવે છે. મંદિરો અને ધામિર્ક સંસ્થાઓના આંગણે આજે એક દિવસીય ધ્યાન સાધનાના કાર્યક્રમો થશે.આ વર્ષે ભલે રાસોત્સવ ન જામે અને જાહેર મેળાવડા ન થાય. પરંતુ સોશ્યલ મીડિયા તો સહયોગમાં છે જ ને? શરદ પૂર્ણીમાની શુભેચ્છાના મેસેજીસનો મારો આજે સવારથી કાલે સવાર સુધી ચાલતો રહેશે. સૌને હેપી શરદ પૂર્ણીમા!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here