હાઇકોર્ટના હુકમ હોવા છતાં પાંચ કર્મચારીઓ ન્યાય માટે ઝઝૂમી રહ્યા હતા-નામદાર હાઇકોર્ટના હુકમનો પણ અનાદર આ તે કેવું તંત્ર વળી.? વાત જીવ ઉપર આવીને ઉભી રહી ત્યારે પાલિકા તંત્રને સમાધાન સાંભર્યું

હરેશ પવાર
સિહોર નગરપાલિકા તંત્ર સામે છેલ્લા કેટલા દિવસોથી વોટર વર્ક્સ વિભાગના પાંચ કર્મચારીઓ પોતાના ન્યાય માટે લડી રહ્યા હતા. આ અંગે નામદાર હાઇકોર્ટ દ્વારા પણ આ પાંચ કર્મચારીઓ ને કાયમિક નિમણુંક આપવા માટે થઈને હુકમ આપી દીધો હતો. છતાં કોણ જાણે કેમ હાઇકોર્ટ કરતા નગરપાલિકા તંત્ર પોતાને મોટું માનતું હોય તેમ હાઇકોર્ટ ના હુકમની અવગણના કરીને પોતાની મનમાની ઉપર અડી રહ્યું હતું. આખરે આટલા વર્ષોની લડાઈ અને ધીરજ ખૂટતા લડત આપી રહેલા પાંચ કર્મચારીઓ એ પોતાનું જીવન ટૂંકાવી નાખવા નક્કી કરી આત્મવિલોપન કરવાનું મન મનાવીને નગરપાલિકા તંત્રને જાણ કરી દીધી હતી.

આત્મવિલોપનની વાત તંત્રના કાને ગુંજતા પાલિકા તંત્રના પગ હેઠળ પાણીનો રેલો આવી જતા તાબડતોબ ધોરણે સિહોર પોલીસ અને પાલિકાના સત્તાધીશો દ્વારા આ ન્યાય માટે લડત આપી રહેલા પાંચે કર્મચારીઓને તાકીદે બોલાવીને સમાધાન ની બેઠક કરી લીધી. આ અંગે નાનુભાઈ રઘુભાઈ, મનુભાઈ વશરામભાઈ, જાગીરભાઈ ઉસમાનભાઈ, આ ત્રણે કર્મચારીઓ ને કાયમી કરવાની દરખાસ્ત તૈયાર કરીને કાયમિક પગાર ધોરણે આપવાની શરતે અને અન્ય બે કર્મચારીઓનું રહેમરાહે નિમણુંક કરવાની પાલિકા સત્તાધીશો દ્વારા ખાત્રી આપતા પાંચ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ આત્મવિલોપન ની અરજી પરત ખેંચી હતી. આમ જોઈએ તો આ પાલિકા તંત્રનું પરાણે પુણ્ય જેવું કામ થયુ કહેવાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here