અગિયારસથી દિવાળીના તહેવારોની શરૂઆત, કોરોના કાળમાં તહેવોરમાં ઘરાકી વધતા વેપારીઓમાં ઉત્સાહ મંદીના માર વચ્ચે ઉછીના પૈસા લઇ વેપારીઓ માલ ભર્યો


દેવરાજ બુધેલીયા
ગઈકાલ અગિયારસથી દિવાળાના તહેવારોની શરૂઆત છે. ત્યારે સિહોર શહેરની બજારમાં ખરીદનાર વર્ગ દેખાતા કોરોના કાળમાં નિરાશ થયેલા વેપારી વર્ગમાં સ્મિતની લહેર દેખાઈ રહી છે. જોકે શરૂઆતના દિવસોમાં ઘરાકીનું પ્રમાણ ઓછુ હોવા છતા વેપારીઓ દિવાળી પર્વ સુધરી જશે તેવી આશા રાખીને બેઠા છે.  બીજી તરફ સરકારી અને ખાનગી કંપનીઓ તથા પેઢીઓમાં કામ કરતા લોકોને પગાર તથા બોનસની રકમ હાથમાં આવ્યા બાદ બજારમાં વધુ ઘરાકી દેખાવાની શક્યતા છે.

આ વર્ષે કોરોનાને લઈને વેપારી વર્ગ સહિત અન્ય તમામ વ્યવસાયકારોને પોતાના ધંધાઓમાં મંદીને કારણે આવક ઓછી થતા માર પડી રહ્યો છે. કેટલાક વેપારીઓ તો નિરાશ થઈને નવી ખરીદી કરવાનું મુનાસિબ માનતા ન હતા તે પાછળનું કારણ એ છે.બજારમાં નવરાત્રી પૂર્વે જે ઘરાકી નિકળવાની હતી તે સરકારના નિયમોને લીધે નિકળી નથી. તો બીજી તરફ દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને વેપારીઓએ સાહસ કરી પોતાની યથાશક્તિ મુજબ નવા માલની બાકીમાં ખરીદી કરી છે.

દરમિયાન દિવાળી પૂર્વે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની પ્રજાએ પોતાની આર્થિક મર્યાદાઓને ધ્યાનમાં રાખી કેટલીક વસ્તુઓની ખરીદી કરવાનું શરૂ કર્યુ છે.જેથી સિહોરની મુખ્ય બજારોમાં લોકોની વધેલી અવરજવરને કારણે ચહલપહલ વધુ દેખાઈ હતી. એકાંદરે અગાઉના દિવસો કરતા વધુ લોકો બજારમાં ખરીદવા ઉમટી રહ્યા છે. જેના લીધે આજે મેઈન બજાર રોડ લોકોની ભીડથી ભરચક રહ્યો હતો. બજારોમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકો વધી રહ્યા છે. જોકે હાલના તબક્કે મોટાભાગના લોકો રેડીમેડ કપડા, કરીયાણુ અને જીવન જરૂરીયાની ચિજવસ્તુઓ ખરીદવા પર પહેલી પસંદ ઉતારે છે.

તેમ છતા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ અનેક લોકો ભાવતાલ પુછવા માટે આવતા હતા. તેમ છતા સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આશા છે કે ધનતેરસ અને દિવાળીના દિવસે નવી ઘરાકી ખુલી જશે. ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોની જેમ આ વર્ષે કોરોનાને લઈને લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. જેની અસરો દિવાળીના તહેવારોમાં પણ જોવા મળી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here