ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ રંગબેરંગી પતંગોના વેચાણની સાથે દોરી રંગાવવા ભીડ જામી : પીપુડાં, માસ્ક, ટોપીઓ, ગોગલ્સનું પણ વેચાણ
દેવરાજ બુધેલીયા
ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારોમાં પતંગો અને વિવિધ ખાદ્ય ચીજ-વસ્તુઓનું આગમન થઈ ચૂક્યું છે. ૧૪ જાન્યુઆરીએ ઉજવાતા આ તહેવાર માટે લોકોએ અત્યારથી જ ખરીદી શરૂ કરી દીધી છે. જિલ્લા નાના-મોટા બજારોમાં પંતગો અને દોરી ઉપરાંત અનેક ચીજ-વસ્તુઓનું વેચાણ થતું નજરે ચઢી રહ્યુ છે. પરંતુ આ વર્ષે મંદી અને વાતાવરણની અસર પતંગના વેપારીઓને નડશે એવી વેપારી વર્ગમાં ચર્ચા થઈ રહી છે.
ગત્ વર્ષની સરખામણીએ ઉત્તરાયણને લગતી દરેક વસ્તુઓમાં ભાવ ડબલ હોવાથી હજુ જોઇએ તેવી ખરીદી બજારોમાં જોવા મળી રહી નથી આગામી ૧૪ જાન્યુઆરીએ આવી રહેલા ઉત્તરાયણ પર્વને લઈ ચરોતરના પતંગ રસીયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. જિલ્લામાં અનેક તાલુકાઓ અને ગામડાઓમાં અત્યારથી જ બાળકોએ પતંગો ચઢાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ઉત્તરાયણ માટે મોજ-શોખની સામગ્રીનું પણ બજારમાં આગમન થઈ ચુક્યુ છે પતંગો, દોરી પીપુડા, ચહેરા પર પહેરવાના માસ્ક, ગોગલ્સ અને ટોપી જેવી સામગ્રીનું વેચાણ શરૂ થઈ ગયું છે.
અન્ય મોટા બજારોમાં મોટા પાયે પતંગો અને દોરીનું વેચાણ પણ શરુ થઈ રહ્યુ છે. તાલુકાના નાના-મોટા વેપારીઓ મોટા બજારોમાંથી મોટા પાયે પતંગો અને દોરી વેચાણ અર્થે લઈ જઈ રહ્યા છે. આથી કદાચ છેલ્લાં દિવસોમાં ખરીદી વધવાની આશા પતંગ ઉદ્યોગ પર નભતા પરિવારો સેવી રહ્યા છે.