આગામી દિવસોમાં હજુ ગરમી વધશે, બપોરના સમયે અંગ દઝાડતા તાપથી જાહેર માર્ગો પર રીતસરનો કરફ્યુ જેવો માહોલ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર સહિત તાલુકાભરમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાયા છે. ખાસ કરીને બપોરના સુમારે અંગ દઝાડતી ગરમીને લઈને માર્ગો પર ટ્રાફિક નહીવત જોવા મળે છે. ગરમીનું પ્રમાણ વધતા ઠંડાપીણાં, આઈસ્ક્રીમ સહિતની ચીજવસ્તુઓની માંગ વધવા પામી છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો હજી ઉંચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.શિવરાત્રી પર્વ બાદ ધીમે-ધીમે સમગ્ર સિહોર સહિત તાલુકામાં ઉનાળાની ઋતુએ પગ જમાવ્યો છે.લોકો આકરા ઉનાળાનો અહેસાસ કરી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે સૂર્ય માથે આવતા જ ગરમીનું પ્રમાણ વધી જાય છે અને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થવા લાગે છે. બપોરના સુમારે આકરા તાપને કારણે લોકો ઘરમાં કે ઓફિસમાં જ ભરાઈ રહેવાનું મુનાસિબ સમજી રહ્યા છે.

આકરા તાપના કારણે બપોરના સુમારે શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકનું પ્રમાણ ઘટવા પામ્યું છે. અગત્યના કામકાજથી બહાર નીકળતા લોકો ટોપી, ચશ્મા, બુકાની જેવી વસ્તુઓ પહેરી ગરમી સામે રક્ષણ મેળવતા નજરે પડી રહ્યા છે. ગરમીના કારણે શેરડી રસના સ્ટોલ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સાંજ ઢળતા વાતાવરણમાં થોડીક ઠંડક પ્રસરતા કેટલાક લોકો લટાર મારવા નીકળતા હોય છે. તો સાંજના સુમારે આઈસ ડીસ, બરફ ગોલાની લિજ્જત માણતા લોકો પણ નજરે પડી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી સિહોર સહિત તાલુકામાં તાપમાનનો પારો ધીમે-ધીમે ઉંચે જઈ રહ્યો છે. જે આગામી દિવસોમાં હજી ઉંચે જશે અને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે તેવી સંભાવના દેખાઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here